નવી દિલ્હી, તા. 16 : મહિલા અનામત
બિલ પર સંસદના ખાસ સત્ર દરમિયાન, કોંગ્રેસ
નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર વિશે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આ પ્રક્રિયા
સામે વાંધો વ્યક્ત કર્યો હતો. સાથે જ એવો પણ પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે લોકસભામાં હાલમાં 543 બેઠકો છે, તો પછી
આમાં 33 ટકા મહિલા અનામત કેમ લાગુ કરવામાં
આવી નથી. તેમણે કહ્યું હતું કે, સરકાર
બિલ પર ઉતાવળમાં કામ કરી રહી છે અને 2011ની વસતી ગણતરીના આધારે સીમાંકન લાગુ કરવાના પ્રયાસો થઈ રહ્યા
છે, જે યોગ્ય નથી. આવા મોટા ફેરફાર માટે નક્કર અને
અદ્યતન ડેટાની જરૂર છે તેમ પ્રિયંકાએ જણાવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું
હતું કે, સંસદનો વિસ્તાર 50 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં
આવ્યો છે, પરંતુ આ દિશામાં કોઈ નક્કર પગલાં દેખાતા નથી.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, આખા બિલમાં આ મુદ્દા પર સ્પષ્ટતાનો
અભાવ છે. રાહુલનો ઉલ્લેખ કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે, સંસદમાં
ઘણીવાર રાહુલની મજાક ઉડાવવામાં આવે છે, પરંતુ તેમના મતે,
જ્યારે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થાય છે, ત્યારે
ફક્ત તે જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. કોંગ્રેસ નેતાએ સરકાર પર એવો પણ આરોપ લગાવ્યો
હતો કે, એક તરફ ઓબીસી વર્ગના હિતોની વાત કરવામાં આવે છે,
પરંતુ બીજી તરફ તેમના અધિકારોને નબળા પાડવામાં આવી રહ્યા છે.