ગાંધીધામ, તા. 16 : પૂર્વ કચ્છની અને ખાસ કરીને
ગાંધીધામ-કંડલા કોમ્પલેક્સ માટે ગરીબોની સંજીવની સમાન મનાતી આદિપુરની સરકારી રામબાગ
હોસ્પિટલમાં મહત્ત્વના તબીબોની ખાલી જગ્યાઓ ભરવામાં આવતાં સ્વાસ્થ્ય સેવાઓમાં ઘણો સુધાર
થયો છે અને સારવાર લેવા માટે દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ દરમિયાન
2.28 લાખ ઓપીડી નોંધાય છે, જે ગત વર્ષ કરતાં 48,000નો વધારો થયો છે. રામબાગ હોસ્પિટલના
વર્ગ દરમિયાનના આંકડા જોઈએ તો વર્ષ 2024 - 25માં 1,80,277 ઓપીડી
હતી, તેની સામે વર્ષ 2025-26માં 48 હજારના વધારા સાથે આ આંકડો
2,28,319એ પહોંચ્યો છે, તો ઇન્ડોર દર્દીઓમાં ગત વર્ષે 24,202ની સામે વર્ષ 2025-26માં 4,800ના વધારા સાથે 29,002એ પહોંચ્યો છે. વર્ષ 2024-25માં 1625 પ્રસૂતિ હોસ્પિટલમાં થઈ હતી, તેની સામે વર્ષ 2025-26માં 1637 થઈ છે, જ્યારે ગત વર્ષે નાનાં-મોટાં 10,000 ઓપરેશન થયાં હતાં, તેની સામે વર્ષ 2025-26માં 13,501 ઓપરેશન થયાં છે. હોસ્પિટલમાં તબીબો અને મેડિકલ સ્ટાફની ભરતી
થતાં સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો થયો છે અને સરકારી હોસ્પિટલ પ્રત્યે લોકોમાં વિશ્વાસ
આવી રહ્યો છે, જેનાં કારણે ઓપીડી અને
અન્ય સેવાઓમાં દર્દીઓ રામબાગમાં સારવાર લઈ રહ્યા છે. હાલના સમયે લેબોરેટરી તથા પીડિયાટ્રિક
સેન્ટર અને ક્રિટિકલ કેર સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. થોડાક સમયમાં આ તૈયાર થઈ
જશે અને તેને કાર્યરત પણ કરી દેવામાં આવશે, જેથી વ્યવસ્થાઓમાં
પણ ઘણો બદલાવ જોવા મળશે. જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા પછી ઘણા બદલાવ જોવા
મળ્યા છે અને સ્વાસ્થ્ય સેવાઓમાં પણ સુધાર થયો છે. - હોસ્પિટલમાં
2.16 લાખ લેબ ટેસ્ટ થયા : ખાનગી હોસ્પિટલમાં અને લેબોરેટરીમાં તાતિંગ રૂપિયા લેવાતા હોવાથી
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના દર્દીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ રામબાગ હોસ્પિટલમાં સેવામાં સુધાર થતાં
દર્દીઓને રાહત મળી રહી છે. વર્ષ 2024-25માં 1,68,359 લેબ
ટેસ્ટ થયા હતા. તેની સામે 58 હજારના વધારા
સાથે વર્ષ 2025-26માં 2,26,645 લેબોરેટરી ટેસ્ટ થયા છે. અગાઉ
ઘણા લેબ ટેસ્ટ માટે ભુજ સુધી ધકા થતા હતા, પરંતુ હવે અહીં સેવામાં સુધાર થતાં મોટાભાગના લેબ ટેસ્ટ રામબાગમાં થઈ રહ્યા
છે.