• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

પંજાબ મોખરે, મુંબઈ સળંગ ચોથી હાર સાથે તળિયે

મુંબઈ, તા. 16 : પંજાબનો શાનદાર અને મુંબઈનો કંગાળ દેખાવ જારી છે. આજે અહીં રમાયેલી મેચમાં સાત વિકેટે જીત મેળવી પંજાબ કિંગ્સ નવ અંક સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે મુંબઈને સતત ચોથી હાર મળી હતી. એમ.આઈ.એ કિવન્ટન ડિકોકે (60 દડામાં 112 અણનમ)ની શાનદાર સદીના સહારે 195 રન કર્યા હતા, પણ પંજાબે પ્રભસિમરનના 39 દડામાં 80 રન (અણનમ) અને શ્રેયસ ઐયરના 35 દડામાં ઝમકદાર 66 રનના સહારે માત્ર 16.3 ઓવરમાં જ લક્ષ્ય પાર પાડયું હતું. 22 રનમાં ત્રણ વિકેટ ખેરવનારા અર્શદીપસિંહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.  પ્રભસિમરન અને શ્રેયસે 139 રનની સબળ ભાગીદારી નોંધાવી જીત નિશ્ચિત બનાવી હતી. બુમરાહ નિષ્ફળ રહ્યો હતો, તો ચહેરે 2.3 ઓવરમાં 42 રન આપ્યા હતા. અગાઉ આઇપીએલ-2026 સિઝનની પ્રથમ મેચ રમી રહેલા આફ્રિકી બેટર-વિકેટકીપર કિવન્ટન ડિકોકની અણનમ-આતશી સદીની મદદથી પંજાબ કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સે છ વિકેટે 196 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. ડિકોકે આઇપીએલ કેરિયરની ત્રીજી સદી ફટકારી હતી. તે 60 દડામાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાથી વિસ્ફોટક 112 રન કરી અણનમ રહ્યો હતો. તેના અને નેહલ વઢેરા વચ્ચે ત્રીજી વિકેટમાં 68 દડામાં 122 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. નેહલે 31 દડામાં ત્રણ ચોગ્ગા, ત્રણ છગ્ગાથી પ0 રન કર્યા હતા. પંજાબ તરફથી અર્શદીપે 22 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મુંબઇ ઇન્ડિયન્સની ઈનિંગ્સની શરૂઆત નબળી અને ધીમી રહી હતી. ડેથ ઓવર્સમાં પણ રન રફતાર મંદ પડી હતી. આથી 220-230ના બદલે 20 ઓવરમાં છ વિકેટે 196 રને અટકી ગઇ હતી. રિકલટન બે રને આઉટ થયો હતો, જ્યારે સૂર્યકુમાર ગોલ્ડન ડક થયો હતો. આથી મુંબઇની 12 રનમાં બે વિકેટ પડી ગઇ હતી. કપ્તાન હાર્દિકે 14 અને રૂધરફોર્ડે એક રન કર્યા હતા. આખરી ઓવરમાં તિલક આઠ રન કરી આઉટ થયો હતો. 

Panchang

dd