નવી દિલ્હી, તા. 16 : આજથી શરૂ
થયેલા સંસદના ટૂંકા વિશેષ સત્રના આરંભે લોકસભામાં મહિલા અનામત અંગેનો બંધારણીય સુધારા
ખરડો અને વિવાદ જગાવનારા સીમાંકન સહિત ત્રણ બિલ રજૂ થયાં હતાં. સંસદના નીચલા ગૃહમાં
આજે મોડી રાત સુધી સરકારના અને વિપક્ષના સભ્યો વચ્ચે રસપ્રદ ચર્ચા થઈ હતી. આવતીકાલે
સાંજે ચાર વાગ્યે આ ખરડા પર મતદાન કરાશે. ખરડાઓ પૂર્વે ઉગ્ર ચર્ચા થઈ હતી અને 151 સભ્યોનાં સમર્થન તથા 185 સભ્યના વિરોધ બાદ બિલ રજૂ થયાં
હતાં. સરકારે મહિલા ખરડાને ઐતિહાસિક ગણાવ્યો હતો,
જ્યારે વિપક્ષોએ કહ્યું હતું કે, અમલ માટે સર્વપક્ષીય
બેઠક બોલાવો. કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત ખરડો,
સીમાંકન બિલ સહિત કુલ ત્રણ ખરડા રજૂ કર્યા હતા. મતદાન પહેલાં ચર્ચાનો
સમય ફાળવવામાં આવ્યો છે. લોકસભામાં ચર્ચા દરમિયાન સરકારે કહ્યું હતું કે, મહિલા અનામતની અમલવારી અને સીમાંકન બાદ લોકસભાની કુલ સંખ્યા 815 થઈ જશે અને તેમાંથી272 સીટ મહિલાઓ માટે અનામત રહેશે.
આ દરમિયાન અખિલેશ યાદવ દ્વારા ખરડો રજૂ કરવાના સમય અને સીમાંકનની પ્રક્રિયા ઉપર સવાલ
ઉઠાવ્યો હતો અને મુસ્લિમ મહિલાઓને અનામતની વાત ઉઠાવી હતી. જેનો જવાબ આપતાં અમિત શાહે
કહ્યું હતું કે, ધર્મના આધારે મુસ્લિમોને
અનામત ગેરબંધારણીય છે. સપા પોતાની તમામ સીટ મુસ્લિમોને આપે તેનાથી કોઈ વાંધો નથી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ખરડાને સીમાચિહ્નરૂપ
ગણાવ્યો હતો. બિલ લોકસભામાં રજૂ થતાં જ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે વિરોધ કર્યો
હતો અને સદનમાં હંગામો શરૂ કર્યો હતો. સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે ખરડાનો વિરોધ કરતાં
કહ્યું હતું કે, દેશના સંવિધાનમાં સંસદને ક્ષમતા આપી છે કે,
સંવિધાનની રક્ષા કરવામાં આવે, જો કે, આજે એવા બિલ આવ્યાં છે જે સંવિધાનને તોડી મરોડી રહ્યા છે. સપા સાંસદ અખિલેશ યાદવે કહ્યું હતું કે,
સરકાર જનગણના કેમ કરાવી રહી નથી, સરકાર છેતરપિંડીથી
ખરડો લાવવા માગે છે. અખિલેશે કહ્યું હતું કે, દેશની અડધી વસ્તી
અનામત ઈચ્છે છે, તો તેઓ જાણવા માગે છે કે શું મુસ્લિમ મહિલાઓ
અડધી આબાદીમાં સામેલ નથી ? જેના ઉપર અમિત શાહે કહ્યું હતું કે, સપા પોતાની તમામ
ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપે. સંવિધાન કોઈપણ રીતે ધર્મના આધારે અનામતની મંજૂરી આપતું
નથી. મુસ્લિમોને ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે. શાહે આગળ કહ્યું હતું કે,
તેઓ દેશને કહેવા માગે છે કે, જનગણના શરૂ થઈ ચૂકી
છે. સરકાર જાતિગત જનગણના ઉપર પણ નિર્ણય લઈ ચૂકી છે. બાદમાં સદનમાં ખરડાને રજૂ કરવા
માટે ધ્વનિમત લેવાયા હતા, જેમાં વિપક્ષે મત વિભાજનની માંગ કરી
હતી. જેના માટે પક્ષમાં 251 અને વિપક્ષમાં
185 મત પડયા હતા. મતદાન બાદ ભાજપ
તરફથી અર્જુન રામ મેઘવાલે ચર્ચાની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, સંવિધાન નિર્માતાઓએ સંવિધાનને શક્તિ આપી છે
કે સંશોધન કરીને લોકહિતના નિર્ણય લઈ શકાય છે. આ ત્રણેય બિલ મહિલાઓ માટે છે. મેઘવાલે
કહ્યું હતું કે, મહિલા અનામત વિધેયક 2023માં પસાર કરવામાં આવ્યું હતું, જેની જોગવાઈ 2026 બાદની જનગણના અને સીમાંકનના
આધારે લાગુ કરવામાં આવશે જેનાથી લોકસભાની સભ્ય સંખ્યામાં સમાન રીતે 50 ટકાની વૃદ્ધિ થશે, એટલે
કે કુલ સીટ 815 થઈ જશે, જેમાંથી 272 સીટ મહિલાઓ માટે અનામત રહેશે.
આ પ્રક્રિયાથી રાજ્યને કોઈ નુકસાન થશે નહી. તેમની વર્તમાન તાકાત બરાબર રહેશે. લોકસભામાં
ચર્ચા દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા સરકારની નિયત ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો
હતો અને કહ્યું હતું કે, ભાજપને ઉતાવળ
એટલે છે કારણ કે, અનામત આપવા માગતી નથી. ભાજપે બતાવવું જોઈએ કે
21 રાજ્યમાં તેમની સરકાર છે તેમાં
કેટલા મહિલા મુખ્યમંત્રી છે.