ભુજ, તા. 16 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણી ગરમી પકડી રહી છે, ત્યારે ગઇકાલે
ભુજની તાલુકા પંચાયતમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિને ગરમા-ગરમી થતાં પોલીસે ફરજમાં રુકાવટ,
ધક્કામુકી તથા શાંતિ ભંગ અને પાડી દઇ ઇજા પહોંચાડવા અંગે કોંગ્રેસના
આગેવાનો-કાર્યકરો એમ સાત નામજોગ તથા અન્ય 15થી 20 જેટલા લોકો
સામે ફરિયાદ નોંધાવી છે. બીજીતરફ આ જ બનાવને પગલે કોંગ્રેસના આગેવાનોએ ફરિયાદ અરજી
પોલીસ સમક્ષ કરી છે. આ અંગે ગઇકાલે એ-ડિવિઝન પોલીસ મથકે કોન્સ. ઊર્વશીબેન કુંદનલાલ
રાજગોરે નોંધાવેલી ફરિયાદ મુજબ આજે તે તથા પી.આઇ. એમ. આર. નકુમ, પી.એસ.આઇ. એચ. આર. મોરી, હે.કો. ભરતભાઇ પાંડોર, વિશાલભાઇ સોની, કિરણભાઇ વસૈયા, કોન્સ. ક્રિષાબેન કેરાઇ ભુજ તાલુકા પંચાયત
ખાતે ચૂંટણી ઉમેદવારીપત્ર પરત ખેંચવા સમયે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે, તે અનુસંધાને બંદોબસ્તમાં હાજર હતા, ત્યારે સુખપર-2 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ભુડિયા
પોતાનું ફોર્મ પરત ખેંચવાના હોઇ તેના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હરીશ
આહીર, એચ. એસ. આહીર, નરેન્દ્રસિંહ
ગરવા, લાખાજી સોઢા, લીલાબેન ભાનુભાઇ આદિવાલ,
રસિકબા જાડેજા તથા અન્ય 10થી 20 જેટલા આગેવાનો-કાર્યકરો
દ્વારા પૂર્વયોજિત રીતે એકજૂટ થઇ ગેરકાયદે ટોળું બનાવી પુષ્પાબેન આવતાં ગેટ પાસે નારેબાજી
કરી શાંતિનો ભંગ કર્યો હતો. કચેરીમાં ઘૂસતાં તેમ કરવાની ના પાડતાં ધક્કામુકી કરી ફરજમાં
રુકાવટ કરી કોન્સ. ક્રિષાબેનને ધક્કો મારી પાડી દઇ ઇજા પહોંચાડી હતી. આમ, પોલીસે વિવિધ કલમ તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
કર્યો છે. બીજીતરફ આ જ બનાવને પગલે કોંગ્રેસના આગેવાનોએ પણ એ-ડિવિઝન પોલીસને પોલીસ વિરુદ્ધ ફરિયાદ અરજી લેખિતમાં આપી છે. આમ,
આ બનાવમાં પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરતા આગેવાનોએ પણ પોલીસ સામે
પ્રતિફરિયાદ અરજી કરી ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે.