મુંબઇ, તા. 28 : બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ આયોજિત
ગુજરાતી ગૌરવ અને ગિરનાર એવોર્ડ વિતરણ સમારોહ શનિવારે સાંજે દાદરના યોગી સભાગૃહમાં
યોજાયો હતો, જેમાં અચલગચ્છાધિપતિ કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.ને ગુજરાતી ગૌરવ એવોર્ડ
એનાયત થયો હતો, જેનો અખિલ ભારતીય અચલગચ્છ સંઘના પદાધિકારીઓએ સ્વીકાર
કર્યો હતો. આ સાથે 20 જેટલા ગિરનાર
એવોર્ડ અપાયા હતા. આ અવસરે પ્રસિદ્ધ મેન્ટાલીસ્ટ ડો. કૃતિ પારેખનો મેજિકલ માઇન્ડ ગેમ
શો યોજાયો હતો. લોકોએ આ ગેમ શોના ભાગ બનીને શોનો આનંદ માણ્યો હતો. બૃહદ મુંબઇ ગુજરાતી
સમાજના સંસ્થાપક અધ્યક્ષ હેમરાજ શાહે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, મુંબઇની આ એકમાત્ર ગુજરાતી સંસ્થા છે જે 41 વર્ષથી સમાજ માટે કાર્યો કરે
છે. અંધેરી લીન્ક રોડ પર સાત માળનું ગુજરાતી સમાજ ભવન બાંધ્યું છે અને સમાજે મહારાષ્ટ્રમાં
1996માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી
સાહિત્ય અકાદમીની સ્થાપના કરાવી છે અને સમાજના જુદા જુદા ક્ષેત્રના સિદ્ધિ પ્રાપ્તોને
ગિરનાર એવોર્ડ, જ્યારે સંત-મહંતને ગુજરાતી
ગૌરવ એવોર્ડથી નવાજે છે. સમાજના પ્રમુખ ડો. નાગજીભાઇ રીટાએ દેશ અને દુનિયામાં રાષ્ટ્રનું
ગૌરવ વધારનાર ગુજરાતીઓને ખાસ યાદ કર્યા હતા. ઉદ્યોગપતિ અંબાણી અને અદાણીને ગુજરાતીઓનું
ગૌરવ ગણાવ્યા હતા. સર્વે એવોર્ડ પ્રાપ્ત કરનારાઓને અભિનંદન આપ્યા હતા. સમારોહનું સંચાલન
ભાગ્યેશ વારાએ કર્યું હતું. અચલગચ્છાધિપતિ કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.ને ગુજરાતી ગૌરવ
એવોર્ડ, તો એસ.જી. મહેતા (કલકત્તા)ને જીવન ગૌરવ ગિરનાર એવોર્ડથી
નવાજવામાં આવ્યા હતા. અન્ય ગિરનાર એવોર્ડ વિજેતાઓમાં રામ મોરી (સાહિત્ય રત્ન),
રમેશ તન્ના (પત્રકાર), નીલમ પંચાલ (સિનેસ્ટાર),
શ્યામ પાઠક (પોપટલાલ-તારક મહેતા કા ઊલટા ચશ્મા), સત્વી મુકુલ ચોકસી (નાટયરત્ન), સૌમ્ય જોશી (નાટયરત્ન),
સમીર તન્ના અને અર્શ તન્ના (નૃત્ય રત્ન), ટીના
છેડા (પાર્શ્વ ગાયિકા), અમર ખાંધા (સંગીતકાર), જયરાજ ઠક્કર (શિક્ષણ), અજિત શાહ (સમાજ સેવા),
ડો. કૃતિ પારેખ (મેન્ટાલીસ્ટ), ભાગ્યેશ વારા (લોક
ગાયક), રામ ગડા (યુએસએ) અને ડો. ચંદ્રકાંત ચોથાણી (મસ્કત) બંનેને
એનઆરઆઇ એવોર્ડ, હિતેશભાઇ દોશી (વારી ગ્રુપ), રમેશ આર. ઠક્કર (આર. આર. ઠક્કર એન્ડ કું.), ધીરજ બી.
ગાલા (અરિહંત પેપર) અને પ્રકાશ નંદુ (મહારાષ્ટ્ર પ્લાયવૂડ) આ ચારેયને વ્યાપાર ઉદ્યોગ
એવોર્ડ એનાયત થયા હતા. મહામંત્રી રાજેશ દોશીએ આભારવિધિ કરી હતી. અતિથિ વિશેષ તરીકે
મુંબઇ સમાચારના તંત્રી નીલેશ દવે, વી ટ્રાન્સ કું.ના અશોક શાહ
તેમજ જયરાજ ઠક્કર, ડિમ્પલ સોનિગ્રા, રમેશભાઇ
આર. ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.