• રવિવાર, 06 જુલાઈ, 2025

વાહ ઉસ્તાદ : નાની ઉંમરે તબલાં વિશારદ કિશોરને સંગીતમાં કારકિર્દી બનાવવી છે

કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 4 : સંગીતની સૃષ્ટિમાં તાલવાદ્યો ઘણાં છે પણ તબલાં તેમાં મુખ્ય છે. તબલાં વગાડતાં શીખવું એ સાધના છે. આજની યુવા પેઢી ધૈર્ય રાખે તો જ તબલાંની કળા સાધી શકે. નવાઈની વાત છે કે એક સત્તર વર્ષના કિશોરે તબલાંમાં વિશારદની ઉપાધિ મેળવી છે. ઘોડપદેવ વિસ્તારમાં રહેતા પ્રથમ રૂપેશ ફુરિયા (તલવાણા)એ આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમને નાનપણથી તબલાં વગાડતાં શીખવામાં રસ જાગ્યો હતો. ઘરમાં સંગીત વિષયમાં કોઈને ખાસ રુચિ નથી. પિતા રૂપેશ ફુરિયા સ્ટૉક માર્કેટ બ્રોકર છે, જ્યારે માતા દીપા ફુરિયા ગૃહિણી છે. પણ આ બંનેએ પુત્ર પ્રથમને શોખ વિકસાવવામાં સહયોગ આપ્યો. એક મુલાકાતમાં પ્રથમ ફુરિયાએ જણાવ્યું કે મેં અખિલ ભારત ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી વિશારદ ર્ક્યું છે. કૉટન ગ્રીનમાં ગુરુ નંદુ પરબ પાસે દસ વર્ષ તાલીમ લીધી છે. તેઓ પોતે અલગ જોબ કરે છે અને પોતાના ઘરે તબલાં શીખવે છે. પ્રથમે કહ્યું મને નાનપણથી સંગીત સાંભળવાનો શોખ હતો. ગીતો સાંભળતો. એક મિત્રે તબલાં શીખવાની સલાહ આપી. આખરે પરબસર પાસે શીખ્યો. પ્રથમે કહ્યું કે, તબલાવાદનમાં કોઈપણ તાલમાં સોલો વગાડી શકું છું. તબલાવાદન (સોલો)માં જુદા જુદા અંગ કાયદા, રેલા, પેશકાર, ટુકડા, મુખડા, કિસ્મા વગેરે શીખ્યો છું. એમણે કહ્યું કે, મને સંગીતમાં કારકિર્દી બનાવવી છે. હાલમાં કીબોર્ડ શીખું છું. કીબોર્ડના કલાસ કરું છું એ સાથે સ્ટુડન્ટને શીખવું છું. ક્યાંય સંગીતનો કાર્યક્રમ હોય તો સાંભળવા જાઉં. ઘોડપદેવ વિસ્તારમાં અમારા કચ્છી વીસા ઓશવાળ સમાજની ઘણી વસતી છે. આખા સમાજમાં તબલાવાદક હું એકલો જ છું. 

Panchang

dd