મોટા ભાડિયા (માંડવી), તા. 4 : પોસ્ટ અને
ટેલિગ્રાફ વિભાગના કર્મચારીઓને હિતાર્થે કાર્યરત ભુજમાં આવેલી પોસ્ટ અને ટેલિગ્રાફ
ક્રેડિટ સોસાયટી લિમિટેડની તાજેતરમાં ભુજ મુકામે સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં
કર્મચારીઓના 55 જેટલા તેજસ્વી છાત્રોને પ્રોત્સાહક
ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. સોસાયટી દ્વારા યોજવામાં આવતા વાર્ષિક સમારોહથી પરસ્પર
પ્રેમ, સદભાવના અને એકતાના અનુબંધનની ત્રિજ્યા સર્જાતી
હોવાથી તે સમાજ માટે લાભદાયી હોવાનો મત વિવિધ વક્તાઓએ વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષસ્થાનેથી
સંબોધતા મહેશભાઈ ગોસાઈએ જણાવ્યું હતું કે સાડા પાંચ દાયકાથી વધારે સમયથી ચાલી આવતી
આ સોસાયટીથી કર્મચારીઓના આર્થિક હિતોનું રક્ષણ થાય છે અને પરસ્પર સદભાવનાનું સિંચન
થતું હોવાથી સારી સેવા આપી શકાઇ છે. ઉપપ્રમુખ ધીરજભાઈ દેસાઈએ સોસાયટીના માધ્યમે સહકાર
અને સંગઠનની ભાવના ફળીભૂત થતું હોવાનું જણાવ્યું હતું. મંત્રી ડાયાલાલભાઈ સિજુએ વાર્ષિક
અહેવાલ રજૂ કરી ઉપસ્થિતોને સોસાયટીની વિકાસગાથાથી અવગત કર્યા હતા. ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ
એસોસિએશનના જિલ્લા પ્રમુખ કરસન ગઢવીએ વિદ્યોપાસનાના સમય દરમિયાન હનુમાન ચાલીસાની ઉપાસના
કરી જીવનને શ્રેષ્ઠતા તરફ લઈ જવા અપીલ કરી હતી. અગ્રણી આર. એન. જોશીએ સામાજિક મેળાવડાનું
પ્રતાબિંબ ખડુ કરતી આવી મિટીંગોથી સામાજિક ચેતનાનો સંચાર થતો હોવાનું કહ્યું હતું.
સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના આચાર્ય જગદીશભાઈ બારૂએ આયોજનની સરાહના કરી હતી. મંચસ્થ
યુનુસભાઈ ભેપોત્રા (પોસ્ટ માસ્તર-ભુજ), સુરેશભાઈ ભાટિયા,
વિશાલભાઈ ઠક્કર, પરેશભાઈ ગાંધી, અરજણભાઈ સિજુ, વાલાભાઈ ચાડ, ધર્મેન્દ્ર
ગોહિલ, શિલ્પાબેન ભાનુશાલી સહિતનાઓએ શુભકામના પાઠવી હતી. 275 જેટલા સભ્યો ધરાવતી આ સોસાયટીના
56મા અધિવેશનમાં 55 જેટલા તેજસ્વી તારલાઓને વિવિધ
મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. પોસ્ટલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ
ઝાકીરભાઇ ખત્રી, રામભાઈ આહીર, દિનેશભાઈ આહીર, વિરલભાઈ ચૌહાણ, તેજસભાઈ સોની, સાહિલભાઈ મલેક, નાનજીભાઈ
રાજદે, હીરાભાઈ શાહ, દિનેશભાઈ મોદી સહિત
પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના મેનેજર મનીષભાઈ
વૈદ્ય, વિરમભાઈ આહીર, અરાવિંદ ચાવડા,
ડેનિશ નાકર, હાર્દિક ચાવડા સહિતનાઓએ જહેમત ઉઠાવી
હતી. સંચાલન અને આભારવિધિ સોસાયટીના સભ્ય વાસુભાઈ મહેશ્વરીએ કરી હતી.