• રવિવાર, 06 જુલાઈ, 2025

કચ્છના આઠ તાલુકામાં મેઘમલ્હાર; નખત્રાણા પંથકમાં અનરાધાર

ભુજ, તા. 4 : રાજ્ય પર સર્જાયેલી ત્રણ અલગ-અલગ વરસાદી સિસ્ટમના પ્રભાવથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અષાઢના આરંભથી શરૂ થયેલી મેઘકૃપા અવિરત જારી રહેતાં કચ્છમાં સતત વરસતા વરસાદથી જનજીવન પુલકિત બન્યું છે. નખત્રાણા તાલુકા પર તો મેઘરાજા રીતસરના ઓળઘોળ થયા હોય તેમ મંગવાણા એન ઉખેડામાં પાંચ ઈંચ તો તાલુકાના અન્ય વિસ્તારમાં એકથી ચાર ઈંચ વરસાદે જળમગ્ન સ્થિતિ સર્જી હતી. અબડાસા તાલુકામાં એકથી ચાર, તો જિલ્લા મથક ભુજ અને રાપરમાં વધુ એક ઈંચની મેઘકૃપા વરસી હતી. લખપત-માંડવી સહિતના તાલુકામાં ઝરમરથી લઈ ઝાપટાં વરસ્યાં છે. હવામાન વિભાગે હજુ આખું અઠવાડિયું હળવાથી મધ્યમ, તો શનિ અને રવિવારે કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદથી અનેક નાના-મોટા ચેકડેમ અને ગ્રામ્ય તળાવ છલકાઈ જવા સાથે અનેક વિસ્તારમાં નદીઓ જોશભેર વહેતી થઈ હતી. ખેતી માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. હવામાન વિભાગે હજુ બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી યથાવત્ રાખી છે. - ભુજમાં ધોધમાર એક ઈંચ : ભુજમાં ગતરાત્રે દોઢ ઈંચની મેઘકૃપા વરસ્યા બાદ આજે બપોરે દોઢ વાગ્યા બાદ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો. પહેલા અમીછાંટણા બાદ જોતજોતામાં ધોધમાર ઝડી વરસી પડતાં પોણો કલાકમાં એક ઈંચ વરસાદ વરસતાં સિઝનના કુલ વરસાદનો આંક આઠ ઈંચ પર પહોંચ્યો છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી હમીરસરમાં પાણી ઠાલવતો મોટો બંધ જોશેભર વહ્યો હતો. ધોધમાર વરસાદી ઝડીના લીધે જ્યુબિલી સર્કલ, બસ સ્ટેશન રોડ, અનમ રિંગ રોડ, મંગલમ ચાર રસ્તા સહિતના વિસ્તારમાં પારંપરિક રીતે જળભરાવ થયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવો જ માહોલ જોવા મળ્યો હતો. - કોટડા જડોદર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં : કોટડા (જ.)માં બપોરે અઢી વાગ્યે ભારે ગાજવીજ સાથે મેહુલિયો ખાબક્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાડીવિસ્તારથી ઉપરની આવના કારણે નવાવાસ વિસ્તારમાં અડધો ફૂટ જેટલા પાણી લોકોનાં ઘરોમાં ભરાયાં હતાં. ઘણાખરા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. કોટડાથી નલિયા માર્ગે ભગવતી ટ્રેડિંગ પાસે આવના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભૂખી નદીની આવને કારણે જડોદર પુલ ઉપરથી પાણીની ભારે આવના કારણે નલિયા-કાદિયા બાજુના વાહનો અટવાયાં હતાં. - નખત્રાણા વિસ્તારમાં દોઢથી સાડા ત્રણ ઇંચ : આજે બપોરે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણીથી સમગ્ર નખત્રાણા તાલુકામાં સચરાચારા દોઢથી સાડા ત્રણ ઇંચ વરસાદથી જળાશયોની સપાટીમાં પાણીની સપાટીમાં વધારો થયો છે, તેવું છગનભાઇ ઠક્કરના અહેવાલમાં જણાવાયું હતું. મોટી વિરાણી, નાની વિરાણી, ભારાપર, જતાવીરા, દેવીસર, મથલ, ઉખેડા, ટોડિયા, કાદિયા, રસલિયા, ખોંભડી, નેત્રા, ઉગેડી, મુરૂ, આમારા, ઐયર, બેરૂ, મોસુણા, નારાણપર, નેત્રા, રવાપર, ઘડાણી, વાલ્કા, દેશલપર (ગુંતલી), વેરસલપર, માધાપર (મંજલ), જિયાપર, મંગવાણા સહિતના ગામોમાં બેથી ત્રણ ઇંચ મૂશળધાર વરસાદથી નદી-નાળાં છલકાયાં હતાં. બન્ની (નાની)ના તલ, છારી, ફુલાય, પૈયા સમગ્ર  બન્નીમાં દોઢ ઇંચ વરસાદ થયો છે. જિયાપર, કુરબઇ સમગ્ર પટ્ટીના ગામોમાં બે ઇંચ જેટલા વરસાદ થયાનું મેઘજીભાઇ ચારણે જણાવ્યું હતું. નખત્રાણાથી નાગલપર, અંગિયા, ધાવડા, દેવપર-યક્ષ, પુંઅરેશ્વર, મંજલ બે ઇંચ મેઘમહેરનો અહેવાલ દેવપરથી જેન્તીભાઇ લીંબાણીએ આપ્યો હતો. મધ્યમ સિંચાઇ મથલ ડેમમાં વધુ ચાર ફૂટ પાણીની સપાટી વધતાં અડધા ભાગનો ડેમ ભરાયાનું ઓપરેટર દિનેશભાઇ મારવાડાએ જણાવ્યું હતું, જ્યારે ભૂખી ડેમમાં વધુ ત્રણ ફૂટ પાણીની સપાટી વધતાં 21 ફૂટ થઇ છે. ચંદ્રનગરથી સુરુભા સોઢાના અહેવાલ મુજબ થાન જાગીર, ગોધિયાર, ચંદ્રનગર, ખારડિયા, હીરાપર, ભીમસર સમગ્ર ગામોમાં બે ઇંચથી વધુ વરસેલા વરસાદે ન્યાલ કર્યા છે. ઘડાણીમાં પૂર્વ ઉપસરપંચ ઇસ્માઇલભાઇ નોતિયારે કચ્છમિત્રનો મોબાઇલ ફોન ઉપર ઘડાણી, રવાપર, વાલ્કા સહિત સમગ્ર પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ થયાનું કહ્યું હતું. તેમણે વધુમાં નરા, ઝારાઝુમારા, જુણાચાય, હરોડા, મેઘપર, લાખાપરમાં બેથી અઢી સચરાચારા વરસાદથી પંથકના લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. નખત્રાણા તાલુકાના મથકનો બસ સ્ટેશન નજીકનો મોટો છેલો (નદી)માં એક કલાક સુધી જોશભેર પાણી આવ્યાં હતાં. - દેશલપર-ગુંતલીમાં ત્રણ ઇંચ : દેશલપર (ગું)ના સરપંચ નારાણભાઇ ચાવડા, ધામાયના સરપંચ વાલાભાઇ આહીર, આમારાના માજી સરપંચ વેરસીભાઇ આહીરે સંયુક્ત યાદીમાં જણાવ્યું કે, બપોર બાદ આવેલ મેઘરાણી આ વિસ્તારના દેશલપર, જીંજાય, મુરૂ, ધામાય, ઐયર, આમારા, કરોલપીર, રતડિયા, નાની-મોટી ધામાય વિસ્તારમાં સવા ત્રણ ઇંચ વરસ્યાં હતાં. દેશલપર-ગુંતલી પાસેની અને મુરૂ-દેશલપર વચ્ચેની નદીમાં પૂર આવ્યાં હતાં. વાવણીલાયક વરસાદ બાદ આજે બીજા રાઉન્ડમાં ભારે વરસાદથી વાવણીમાં પરોવાયેલા ખેડૂતોને વધુ જોમ મળ્યું હતું. - નખત્રાણા તાલુકા પર મેઘરાજા ઓળઘોળ : મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે, આજે બપોરના અઢી વાગ્યા બાદ મેઘસવારીએ નખત્રાણા તેમજ આજુબાજુના ગામડાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમીધારે, તો મંગવાણામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સાંગનારામાં સતત એક કલાક સુધી ધોધમાર વરસેલા વરસાદે ખેતરોમાં પાણી ભરી દીધાં હતાં. સાંગનારા, ગોડજીપર, બેરૂ, મોસુણા, રામપર-પિયોણી બાજુ અઢીથી ત્રણ ઇંચ વરસાદના વાવડ અરવિંદ ઠક્કરે આપ્યા હતા. ભડલીથી માજી સરપંચ ગુલામ મકવાણાએ કહ્યું હતું કે, ભડલી, અકાદના, થરાવડા, રાણારા વિસ્તારમાં દોઢ ઇંચ પાલર પાણી પડયું હતું. - ઉખેડામાં બે કલાકમાં પાંચ ઇંચ : ઉખેડાથી સરપંચ તુષાર ગોસ્વામીએ કહ્યું કે, પ્રથમ દક્ષિણ બાજુથી આવેલી વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદ વરસ્યો હતો, જ્યાં બીજા રાઉન્ડમાં દક્ષિણથી આવેલા મેઘરથે દે ધનાધન મહેર વરસાવી હતી. ઉખેડા, વમોટી નાની-મોટી વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ પડતાં ગોગાડેમ, લોલાડીડેમ સાથે ગ્રામ્ય તળાવો ઓગની ગયાં છે. ભારે વરસાદથી નદીઓ બેકાંઠે વહી હતી. - મંગવાણા પર મેઘરાજાની મીઠી નજર : ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મંગવાણા વિસ્તાર પર મેઘરાજાની જાણે મીઠી નજર હોય તેમ આજે પણ દોઢ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતાં બસ સ્ટેશન વિસ્તાર જળબંબોળ બની ગયો હતો. સોમવારે અહીં ચાર ઇંચ વરસાદ પડયો હતો અને આજે પાંચ ઇંચ વરસાદ પડતાં ચોમેર પાણી પાણી થઇ ગયું હતું. આવો વરસાદ હજી વધુ ચાલશેતો ઘરોમાં પાણી ભરાય તેવી સ્થિતિ સર્જાશે.જિયાપરના માજી સરપંચ વિજયાબેન ગોસ્વામીએ અઢીથી ત્રણ ઇંચ વરસાદના વાવડ આપ્યા હતા. - મંજલમાં બે કલાકમાં ચાર ઇંચ : જાડેજા હકુમતસિંહે કહ્યું હતું કે, દોઢથી અઢી વાગ્યા સુધી મંજલ, તરા, લક્ષ્મીપર, માધાપર વિસ્તારમાં ચાર ઇંચ વરસાદ એકઝાટકે પડયો હતો. ઉગેડીથી સરપંચ કરણભાઇ રબારીએ આજે ફરી વરસાદનું આગમન થતાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ ઉગેડી, ટોડિયા ફાટક, મોરાય, દેશલપર ફાટક સુધી વરસ્યો હતો. ધાવડા નાના-મોટા, અંગિયા વિસ્તારમાં પણ ભારે વરસાદથી જોશભેર પાણી વહ્યાં હતાં. મોટી વિરાણી, રામેશ્વર, સુખપર, વાંઢ, ખોથા, પખડા વિસ્તારમાં આજે બપોર બાદ આવેલ `મીં'ની ગાડી સવા કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદથી આ વિસ્તારને પાલર પાણીનો સ્વાદ ચખાવી ગયાનું અદ્રેમાન ઓઠારે કહ્યું હતું. લક્ષ્મણદાન ગઢવીએ ભારાપર, રામરસરોવર, ગડાપોઠા, જતાવીરામાં અઢી ઇંચ વરસાદે મોજ કરાવ્યાના વાવડ આપ્યા હતા. વિગોડી વિસ્તારના યાસિન ચાકીએ કહ્યું હતું કે, આજે પવન અને વીજળીના સૂસવાટા સાથે ત્રણ ઇંચ પાલર પાણી પડયું હતું. દેવીસર, ભીમસર, હીરાપર, ગોધિયાર વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદના સમાચાર શૈલેશ આઇયા, અમૃત ચૌહાણે આપ્યા હતા. અંગિયા, નાગલપર, જિંદાય વિસ્તારમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદની મહેર મનોજભાઇ મુછાળા અને ઇકબાલ ઘાંચી (સરપંચ)એ જણાવ્યું હતું, તો રવાપર સહિત આજુબાજુના વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે બપોરે ત્રણ વાગ્યા બાદ ધોધમાર વરસાદથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યાં હતાં. બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડયાનું શિવશંકર વાસુએ કહ્યું હતું. - વિથોણમાં કાચાં સોનાંની મેઘકૃપા : વિથોણ પંથકમાં દોઢ ઈંચ જેટલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. બપોરે બે વાગ્યાથી ચાલુ થયેલા વરસાદે દોઢ કલાક ધબધબાટી બોલાવી હતી અને દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દેવપર, ધાવડા, સુખસાણ, વિથોણ, ચાવડકા, સાંગનારામાં દોઢ ઈંચ વરસાદ થયાનું જયંતીભાઈ લિંબાણી અને ગંગારામભાઈ દેવપરે જણાવ્યું છે. મગફળી માટે પાલર પાણી પ્રાણવાયુ સાબિત થઈ રહ્યાનું દિનેશભાઈ પોકારે જણાવ્યું છે, તો નેત્રા ગામે બપોરે 3:30 કલાકે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. બાંડિયા-બાંડિયારા- લખમીપુરમાં એક-દોઢ ઈંચ વરસાદ પડયાનું વેપારી ભાનુશાલી પ્રવીણભાઈએ જણાવ્યું હતું. ખોંભડીમાં વરસાદ પડયાના સમાચાર ટપુભા જાડેજાએ આપ્યા હતા.  - કોઠારા વિસ્તારમાં એકથી ચાર ઈંચ : આજે બપોરે બફારાના માહોલ વચ્ચે કોઠારામાં એક ઇંચ વરસાદ પડયાનું મનોજ સોનીએ જણાવ્યું હતું, તો વરાડિયા ગામે દોઢ ઈંચ વરસાદની વિગત સંદીપ સેવકે આપી હતી. ધનાવાડા, ગઢવાડા, નાગોરમાં ચાર ઇંચ પાણી પડયાનું જગદીશ ગોરડિયાએ જણાવ્યું હતું. કનકપરમાં શંકરભાઈ પટેલના જણાવ્યા મુજબ અહીં પોણા ચાર ઇંચ જેવો વરસાદ પડયો હતો. વિઝાણમાં ચાર ઇંચ વરસાદથી તળાવમાં નવાં નીર આવ્યાં હોવાનું સરપંચ સજ્જનસિંહ જાડેજાએ જણાવ્યું હતું, ખીરસરા (વિંઝાણ), હાજાપર, મિંયાણી સહિતના ગામોમાં ચાર ઇંચ વરસાદથી ધરતી તરબતર થઈ હતી. ડુમરામાં એક ઇંચ વરસાદ પડયાનું ચેતન ગોરે, તો વરંડીમાં એક ઇંચની માહિતી ચકુભા જાડેજાએ આપી હતી. આરીખાણામાં એક ઇંચ વરસાદ પડયાનું સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. - અબડાસા તાલુકાના 60થી વધુ ગામમાં ઝાપટાંથી એક ઈંચ  : તાલુકાના મુખ્ય મથક નલિયામાં ઝરમર છાંટા પડતાં જ માર્ગો ભીના થઈ ગયા હતા. આ ઉપરાંત તેરા, બારા, કુવાપદ્ધર, ઉસ્તિયામાં ઝાપટાં પડતાં જ પાણી હોય નીકળ્યાં હતાં, તેવું તેરાના પ્રવીણગિરિ ગોસ્વામીએ જણાવ્યું હતું. હમીરપર, ધુફી ભારાપર, બિટ્ટા, પાટ, ભવાનીપર, બાલાપર સહિત વિસ્તારમાં અડધાથી એક ઇંચ જેટલા વરસાદના વાવડ બિટ્ટાથી જગદીશ ઠક્કરે આપ્યા હતા. વાંકુ, વાડાપદ્ધર, રાપરગઢમાં પણ ઝરમર છાંટા પડયા છે. જમીન ભીની થઈ હતી, તેવું વાંકુના મિતેશ શાહે જણાવ્યું હતું. દરમ્યાન પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહિમ મંધરાએ માહિતી આપતાં કહ્યું કે, કનકપર, ગઢવાડ, ધનાવાડા, અરજણપર સહિતના ગામોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું. - મુંદરામાં રાત્રિ દરમ્યાન ચાર ઈંચ : ગત રાત્રિ દરમ્યાન ચાર ઈંચ વરસાદ ખાબકતાં બંદરીય નગરી પાણી-પાણી થઈ ગઈ હતી. ભારે ઊકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ધ્રબના કિસાન અગ્રણી હુસેનભાઇ તલાટીના જણાવ્યા અનુસાર આ વરસાદ ખેતી માટે કાચું સોનું સમાન છે. જો કે, ખારેકના ઊભા પાકને નુકસાની થશે, પણ પશુઓ માટે ઘાસચારો ઝડપથી ઊગી નીકળશે. મુંદરા નાયબ મામલતદાર વિપુલભાઈ જોશીએ કહ્યું કે, સિઝનનો કુલ વરસાદ 282 એમ.એમ.  (11 ઇંચ)એ પહોંચ્યો  છે. ભારે વરસાદના કારણે મૈત્રી કોમ્પ્લેક્સ, જવાહરચોક, ભાટિયા ચકલો તથા સોસાયટી વિસ્તારમાં પાણી વહી નીકળ્યાં હતાં. આજે દિવસ દરમ્યાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. દેશલપર-કંઠી, ગુંદાલા, ભુજપુર સહિતના અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે. - ગઢશીશા પંથકમાં બે ઇંચ : પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યના અહેવાલ મુજબ માંડવી તાલુકાના આ પંથકમાં રત્નાપર-મઉં, દેવપર, દનણા, વડવા કાંયા, દુજાપર, વિરાણી, રાજપર, ભેરૈયા, ફિલોણ, આશરાણી, ઘોડાલખ, વરઝડી, શેરડી, ગંગાપર, હમલા-મંજલ, ગાંધીગ્રામ તથા અબડાસા તાલુકાના રાયધણજર, ચિયાસર, ભીટારા વિગેરે ગામોમાં અંદાજિત દોઢ કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. આ વરસાદ પીયત અને કપીત જમીનમાં થયેલી વાવણી માટે કાચું સોનું ગણાવી શકાય એવું મહેન્દ્રભાઇ રામાણી, વિપુલ રામજિયાણી, દનણાથી ગજુભા સોઢા, શેરડીથી સંદીપભાઇ જોશી તથા રાયધણજરથી રફીકભાઇ હાલેપૌત્રાએ જણાવ્યું હતું.રાયધણ બાજુ તમામ નાના-મોટા ચેક ડેમો ઓગની ચૂક્યા  છે, તો ખેતરોમાં વાવેતર થયેલા રામમોલને ખૂબ જ ફાયદો થશે. ગઢશીશાની ગલીઓઁમાં પણ બપોરના ભાગમાં પૂરજોશમાં જળપ્રવાહ વહી નીકળ્યો હતો. - નરા વિસ્તારમાં ધોધમાર : લખપત તા.નરા વિસ્તારમાં બે કલાક સુધી ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નદી-નાળાં વહાવ્યાં હતાં. ખેતરોમાં ભરાયેલાં પાણીથી બેટ જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને હાલમાં ચોમાસુ પાક મગફળીનાં કરેલાં વાવેતરને નુકસાની થઈ  શકે છે. - માંડવી તાલુકામાં અડધોથી પોણો ઇંચ : દેવેન્દ્ર વ્યાસના અહેવાલ મુજબ માંડવી બંદરીય શહેરમાં મેઘરાજાએ હાજરી પુરાવીને મોઢું ફેરવી લીધું હતુ તો ઉત્તર-પશ્ચિમી પટ્ટાના ગામડાઓમાં રેલમ છેલ કરાવતાં અઢી-ત્રણ ઇંચ પાલર પાણીનો ધૂબાકો કરાવ્યો અને નદી-નાળા થઇ ગયા હોવાના વાવડ મેળ્યા હતા. શ્રીપીઠ આશાપુરા માતાજીના ખોળામાં વહેતી ખારોડ નદી નૃત્ય કરતી મુડમાં આવી હતી.બપોરે શહેર અને પાદર સમા ગામોમાં માંડ પા ઇંચના હળવાં છાંટણાં કરાવીને રસ્તાઓને નવડાવ્યા હતા. ગોરંભાયેલો માહોલ બરકરાર રાખ્યો હતો. રસ્તાઓ ઉપરના ખાડાઓમાં માટી જેવી ભરતી કરાઇ હોવાથી `ચકલાણ' ત્રાસદાયક બની હોવાના બળાપાઓ નાગરિકોએ કાઢતાિં વેળાસર રોડ વિસ્તરિતકરણ અને ખાડાઓમા પાકી ભરતી કરાવવા માંગ કરી હતી શહેરમાં એકંદર આંકડો આઠ ઇંચ ભુપેન્દ્ર સલાટે કહ્યો હતો. નાના રતડિયામાંથી આચાર્ય વિક્રમસિંહ જાડેજાએ આપેલી જાણાકારી પ્રમાણે નાના-મોટા રતડિયા, હમલા, મંજલ, પ્યાકા વગેરે પટ્ટીમાં અઢી ઇંચ આસપાસ ધરતીનો ધણી રીઝયો હતો. કૃષિકારો, અબોલ જીવોના મોઢા મરકી રહ્યા છે. શ્રીપીઠ આશાપુરાજી મંદિરના ચરણ પખાળતી ખારોડ નદી શૃંગાર અદાએ મોજમાં નાચવા લાગી હતી. નાગ્રેચાથી જયદિપસિંહ જાડેજાએ હરખાતાં કહ્યું હતું કે, `િમ લાટ થ્યો ! તળાવમાં ખૂબ સારુ પાલર પાણી  ઠલવાયું છે નાય બોરી ખાસી આવઇ ! નાગ્રેચા, ભોજાય, હાલાપર, સાભરાઇ, નાની-મોટી ઉનડોઠ વગેરે વરસાદ માટે તૃષાતુર પંથક ઉપર આનંદદાયક મેઘકૃપાએ જમાવટ કરી હોવાનો સર્વત્ર રાજીપો વર્તાતો જોવા મળ્યો હતો. ગોધરાથી હાજી સલીમ ચાકીએ કહ્યું કે, હળવું ઝાપટું શરૂ થયું અને પવને ગતિ પકડતાં અડધો ઇંચ માંડ વરસાદ પડયો ગોધરા, મેરાઉ પંથકમાં હાજરી પુરાવી ડોણથી ખીમજીભાઇ કેરાઇએ કહ્યું કે છાંટણા થયાં જમીન પલળી, બિદડાથી સૈયદ ગુલામ મુસ્તફાએ પણ હાજરી પુરાવતા વરસાદના વાવડ આપ્યા આસંબિયાથી રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે, નાના-મોટા આસંબિયા, કંઢરાઇ ચોકી, ગોણિયાસર પંથકમાં પોણો ઇંચ વરુણ દેવ રીઝયા હતા, - રાપર શહેરમાં વરસાદ, તાલુકો કોરો : રાપરમાં સવારથી ગોરંભાયેલા આકાશેથી ઝરમર છાંટા વચ્ચે બપોરે દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસી ગયો હતો. એક ઇંચ વરસાદથી જ બજારો પાણી પાણી થઇ ગઇ હતી. રાપર તાલુકાના પ્રાંથળ ખડીર સિવાય અન્ય વિસ્તારોમાં વાવેતર થયું હોવાથી એના માટે આ વરસાદ કાચું સોનું સાબીત થઇ રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તાલુકાના ઘણા ખરાં ગામ કોરા રહ્યા હતાં હાઇવે પટ્ટીમાં ચિત્રોડમાં ભાદરવાની જેમ સીમમાં વરસાદ હતો અને ગામ કોરું હોવાનું ખેડૂત ભીમજીભાઇ પટેલે જણાવ્યું હતું. આડેસરમાં કાલ રાતથી ધીમીધારે વરસતો હોવાનું ખેંગાર પરમારે જણાવ્યું હતું. એ સિવાય પ્રાંથળ ખડીર વિસ્તાર હજી મેઘ તરસ્યા હોવાનું બાલાસરથી જયેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખડીર પંથકમાં ગયા વર્ષે પણ જોઇએ તેવો વરસાદ નહીં પડેલ હોવાથી આ વિસ્તારનો ખેડૂત અને માલધારી વર્ગ ચિંતિત છે. ત્રેવીસ મિમી. વરસાદ નોંધાયો હોવાનું રાપર કંટ્રોલ રૂમમાંથી નાયબ મામલતદાર ભીખાભાઇ કોરાટે જણાવ્યું હતું. - દહીંસરા પંથકમાં કાચું સોનું વરસ્યું : આ વિસ્તારમાં દીનભર હળવો, મધ્યમ ભારે ઝાપટા +પર વરસાદ વરસ્યો અંદાજે એક ઇંચથી વધારે પાણી આભમાંથી વરસ્યું. તેથી ઉભેલા પાકો માટે કાચા સોના રૂપી મેઘકૃપા થયાનું ધરતીપુત્રો જણાવે છે. ચુનડી, સરલી, ગોડપર, મેઘપર, ખત્રી તળાવ બાજુ વરસાદી વાવડ  મળ્યા છે. - તલ વચ્ચેની નદીમાં ઘોડાપુર આવતા 50 જણ અટવાયા : નાની બન્નીના તલ તૈયારી છારી-ફુલાય મોતિચુર, પૈયા વિસ્તારમાં 3 ઈંચ જેટલો વરસાદ પડતા માલધારીએના મુખ મલકાયા હતા. તલ-લૈયારી નદીમાં ધોળાપુર આવતા તલ ગામના 50 જણા અટવાઈ ગયા હતા. એવું હમજા જતે કહ્યું હતું. - દયાપરમાં એક ઈંચ, ના.સરોવર, બરંદામાં ઝરમર : છેવાડાના લખપત તાલુકામાં 4 વાગ્યે વીજળીના ભારે પ્રકોપ સાથે મેઘરાજાએ ક્યાંક ઝરમર તો ક્યાંક 1 ઈંચ સ્વરૂપે પધરામણી કરી હતી. મુખ્ય મથક દયાપર ખાતે એક કલાક સુધી તો વીજ કડાકાના ડરામણા અવાજોથી લોકો ચિંતામાં મૂકાયા હતા. અને વીજ પ્રકોપ પ્રમાણે વરસાદ પણ ન થયો છતાં દયાપર સહિત વિરાણી દોલતપર, ઘડુલી, મેઘપરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે નારાયણસરોવર, પાન્ધ્રો વર્માનગર, બરંદા, નરેડો, કોરીયાણી, ક્પુરાશી વિસ્તારમાં ઝરમર ઝાપટાં પડયા હતા. દયાપરની બજારમાં પાણી વહી નીકળ્યાં હતા. તળાવમાં સામાન્ય પાણીની આવ ચાલુ થઈ હતી. પશ્ચિમ વિસ્તારમાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી. આકાશ વાદળાઓથી ગોરંભાયેલું છે ત્યારે રાત્રે વરસાદ પડે તેવી ખેડૂતોએ આશા દર્શાવી છે. 

Panchang

dd