ભુજ, તા. 3 : હવામાન વિભાગની ગુરુથી શનિવાર
દરમ્યાન હળવાથી ભારે વરસાદની આગાહીને પગલે આજે સવારથી જ ગોરંભાયેલાં વાતાવરણ બાદ સાંજે
ભુજ તેમજ આજુબાજુના વિસ્તાર તથા ગાંધીધામમાં મેઘરાજાની પધરામણી થકી અડધાથી ત્રણ ઈંચ
પાણી વરસ્યું હોવાની વિગતો જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત થઈ હતી. રાજ્યમાં સક્રિય થયેલાં ચોમાસાંને પગલે
કચ્છમાંયે હળવાથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે ગાંધીધામમાં સાંજે
છ વાગ્યે શરૂ થયેલા વરસાદથી ત્રણેક ઈંચ પાણી વરસ્યું હતું, તો બીજી તરફ ભુજમાંયે સાંજે સાડાસાત વાગ્યા
આસપાસ 34 મિ.મી. વરસાદ જિલ્લા કન્ટ્રોલ
રૂમમાં નોંધાયો હતો. આજના વરસાદને પગલે રાબેતા મુજબ શહેરના બસ સટેશન, જ્યુબિલી ગ્રાઉન્ડ સહિતના નીચાણવાળા વિતારમાં
મુખ્ય માર્ગો પર પાણી ભરાયાં હતાં. રાત્રે નવ વાગ્યે પણ ગાજવીજના કડાકાભડાકા સાથે ભુજમાં
ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આજે આખો દિવસ આકાશ ગોરંભાયેલું હોવાથી વાતાવરણમાં ઉકળાટથી
લોકો અકડાયા હતા, પરંતુ સાંજે વાતાવરણમાં આવેલા પલટા બાદ ઝાંપટાં
સ્વરૂપે વરસાદ વરસતાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાવાની
નિષ્ણાતો દ્વારા વ્યક્ત થયેલી શક્યતાને જોતાં આગામી અઠવાડિયાં દરમ્યાન વરસાદ પડવાની
પ્રબળ સંભાવના જોવાઈ રહી છે. ગાંધીધામ સંકુલમાં સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ
વરસી રહ્યો હતો, તે વચ્ચે સાંજના છ વાગ્યાથી લઈને રાત્રિના આઠ
વાગ્યા દરમિયાન બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં જોડિયા શહેરોમાં જળબંબાકારની સ્થિતિ
સર્જાઈ હતી. વેપારીઓ-લારીધારકો, વાહનચાલકો ફસાયા હતા. લોકોનાં
ઘરોમાં પાણી ભરાયાં હતાં. પ્રથમ બે વરસાદ પછી પણ વહીવટી તંત્ર દ્વારા પાણી નિકાલની
યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતાં ગુરુવારે સાંજે પડેલા વરસાદથી ચોતરફ પાણી-પાણી થઈ જતાં
લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાંજે બે કલાક દરમિયાન પડેલા વરસાદમાં શહેરના ભારતનગર,
મહેશ્વરીનગર, સુંદરપુરી, ગાયત્રી મંદિર રોડ સેક્ટર વિસ્તાર, મુખ્ય બજાર,
આદિપુર રામબાગ રોડ, મણિનગર સહિતના જોડિયા શહેરોના
વિવિધ વિસ્તારોમાં વ્યાપક પાણી ભરાયું હતું. ચોતરફ પાણી ફરી વળ્યું હતું. નિકાલની કોઈ
વ્યવસ્થા ન હોવાનાં કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લોકોને પોતાનાં વાહન દોરીને
લઈ જવા પડયાં હતાં. અનેક જગ્યાએ વાહનો ફસાયાં હતાં. રોજગાર- ધંધા ઉપર પણ અસર પડી હતી.
લારીધારકો ગોઠણડૂબ પાણીમાં પોતાની લારી લઈને જઈ રહ્યા હતા. સ્થિતિ વધારે વિકટ બની હતી.
અનેક વિસ્તારોમાં લોકોનાં ઘરમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ઘરવખરીનો સામાન પલળી ગયો
હતો. વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ગાંધીધામ મામલતદાર કચેરીમાં સવારથી લઇને
સાંજના છ વાગ્યા સુધીમાં સાત એમ.એમ. વરસાદ નોંધાયો હતો, જ્યારે
છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન બે કલાકમાં 63 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન કુલ 70 એમ.એમ. વરસાદ પડયો હતો. આ સાથે
સિઝનનો કુલ સાડા 11 ઈંચ વરસાદ
નોંધાયો છે. ભુજ તાલુકાના કુકમામાં રાત્રે 8-45 આસપાસ ગાજવીજ સાથે અચાનક શરૂ થયેલા વરસાદે જરાવારમાં પાણી વહેડાવી
દીધાં હતાં. દસેક મિનિટના સારા વરસાદ બાદ ગતિ ધીમી પડી હતી. - મુંદરામાં ધીમી ધારે વરસાદ
: મુંદરામાં સવારથી જ વરસાદી માહોલ બાદ રાત્રે
વરસાદ શરૂ થયો હોવાનું બ્યુરો કચેરીએ જણાવ્યું હતું.