• ગુરુવાર, 01 મે, 2025

ગાંધીધામ : ડીપીમાં તણખા-ધડાકા સાથે આગ

ગાંધીધામ, તા. 15 : શહેરમાં વીજ ગ્રાહકોની  વધતી જતી સંખ્યા સામે વીજમાળખાંમાં કોઈ સુધારો કરાયો નથી તેમજ  માર્ચ મહિનામાં જ ગરમીના પ્રકોપ સહિતનાં કારણોથી આજે ગાંધીધામ સંકુલમાં  વીજમાળખાંમાં બે સ્થળે આગજનીના બનાવો બન્યા હતા. કાસેઝ પાસેના સબ સ્ટેશનમાં અને  ગાંધીધામની મુખ્ય બજારમાં  કટઆઉટના બોક્સમાં  ધડાકા સાથે આગ લાગી હતી. મુખ્ય બજારમાં બનેલા બનાવથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જો કેત્વરિત કામગીરીથી ગંભીર દુર્ઘટના ટળી હતી. આ અંગે મળતી  વિગતો મુજબ  ગાંધીધામમાં કંડલા સેઝ પાસે આવેલા સબ સ્ટેશનમાં આજે બપોરના અરસામાં કેબલમાં આગ લાગી હતી. જેના કારણે  અડધા ગાંધીધામ શહેરમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ગરમી અને વધુ પડતા વીજભાર સહિતના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ  રહ્યું છે. આ બનાવના કારણે ગાંધીધામ શહેરના 15 જેટલા ફીડર ઠપ થઈ જતાં સેક્ટર વિસ્તારમાં બપોરના અરસામાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જો કે, વીજતંત્ર દ્વારા તબક્કાવાર ફીડરો શરૂ કરાયાં હતાં અને એક વાગ્યા સુધી વીજપુરવઠો પૂર્વવત કરાયો હતો. આ આગ પણ તુરંતમાં કાબૂમાં આવી જતાં મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવ તાજો જ હતો ત્યાં શહેરની મુખ્ય બજારમાં ગોરધન  ડ્રેસીસના પીલર ઉપર લાગેલા કટઆઉટ બોક્સમાં ભારે ધડાકા સાથે આગ લાગી હતી. સાંજે 5.45 વાગ્યાથી સતત 15 મિનિટ સુધી તણખા સાથે આગ જારી રહી હતી.  આ બનાવના પગલે વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વીજ તંત્ર અને નગરપાલિકાના  અગ્નિશમન દળને જાણ કરાઈ હતી અને ફોમનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. બનાવના  પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયું હતું, જો  આ ઘટના રાત્રિના અરસામાં બની હોત, તો વધુ એક વખત મુખ્ય બજાર આગની ઝપટમાં આવી જાત તેવી દહેશત  વ્યક્ત કરાઈ હતી. આ અંગે વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાનીએ  ગાંધીધામની સ્થાપના થઈ તે સમયથી  લાગેલા કટઆઉટ બદલાયા ન હોવાનું અને  વાયરો પણ જર્જરિત હોવાનું કહી વાયરો અને  જૂના કટઆઉટ બદલવામાં આવે તેવી માંગ કરી હતી. બનાવના પગલે પૂર્વ સુધરાઈ સભ્ય કમલેશ પરિયાણીપી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર જ્યોત્સનાબેન  મહેશ્વરી વિગેરે ઘટના સ્થળે પહોંચી  ગયા હતા.  મહાનગરપાલિકાનાં અગ્નિશમન દળના દીપકભાઈ, કેતનભાઈ, કિરણભાઈ, રાજ માતંગ, નિર્મલ અશાંત કામગીરીમાં જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd