ગાંધીધામ, તા. 28 : ગાંધીધામના રાજવી ફાટકથી લઈને
ખોડિયારનગર સુધીના મુખ્ય એક્સપ્રેસ લાઈન ઉપર થયેલાં દબાણો દૂર કરવામાં આવ્યાં છે. ગુરુવારે
રામદેવપીર મંદિર નજીક આ લાઈનમાં લીકેજ થતાં હજારો લિટર પાણી ભારતનગરની ગલીઓમાં વેડફાયું
હતું. અગાઉ અહીં હિટાચીથી મલબો ખોદીને લઈ જવા દરમિયાન લાઈન તોડી નાખવામાં આવી હતી ,જે તે સમયે જર્જરિત લાઈન માટે કાર્યવાહી ન થઈ,
હવે ફરી આ લાઈનમાં લીકેજ થતાં વ્યાપક પાણીનો વેડફાટ થયો હતો. રામબાગ
પાણીના ટાંકાથી આવતી મુખ્ય એક્સપ્રેસ લાઈન રાજવી ફાટક થઈને રામદેવપીર મંદિર અને ત્યાંથી
ભારતનગર થઈને સુંદરપુરીના ટાંકા તરફ જાય છે. જે શહેરના મોટા વિસ્તારને પીવાનું પાણી
પૂરું પાડે છે. શુક્રવારે સવારના ભાગે આ લાઈનમાં ભંગાણ પડતાં વ્યાપક પાણીનો વેડફાટ
થયો હતો. પાણી આ માર્ગ ઉપરથી ભારતનગરની શેરી ગલીઓમાં ફરી વળ્યું હતું અને ભર ઉનાળે
ચોમાસાં જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો બુંદ બુંદ પાણી માટે તરસી રહ્યા છે અને અહીં
હજારો લીટર પાણી માર્ગો ઉપર વેડફાયું હતું. આ લાઇનમા અનેક જગ્યાએ લીકેજ છે,
દબાણો હટી ગયાં પછી પણ લાઈનની મરંમત થઈ નથી. અગાઉ મલબો ઉપાડવાની કામગીરી
દરમિયાન લાઈનને નુકસાન પહોંચ્યું હતું તે બાબતમાં તપાસ થઈ નથી. હાલના સમયે મહાનગરપાલિકાએ
મલબો ઉપાડવાની મંજૂરી આપી હોવાનું સંબંધિત વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે,
પરંતુ અહીં લાઈનમાં રહેલી લીકેજો દૂર કરવી આવશ્યક છે. લોકો પીવાનાં પાણીની હાડમારી વેઠી રહ્યા છે તે વચ્ચે
પાણી માર્ગો ઉપર વેડફાય તેના બદલે લોકોનાં ઘરના નળમાં મળે તે જરૂરી છે. વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લઈને જે જગ્યા ઉપર લાઈનમાં
લીકેજ છે, ત્યાં તુરંત કામગીરી કરવામાં આવે તે સમયની માંગ છે. અગાઉ મલબાના ચક્કરમાં મશીનરીથી લાઈન તૂટી હતી,
ત્યારે પાણી વિભાગ દ્વારા લાઇનની મરંમત કરવામાં આવી હતી.