• રવિવાર, 01 માર્ચ, 2026

મિડલ ઈસ્ટમાં અશાંતિ કચ્છ સહિત દેશના વેપારજગતને અસર કરશે

કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 28 : છેલ્લા લાંબા સમયથી દેશના ઉદ્યોગગૃહો વિદેશ વેપાર લઈને મુશ્કેલીમાં મુકાયેલા છે. અમેરિકા અને ભારત વચ્ચે સમયાંતરે ઊભા થતા ટેરિફ વિવાદ થકી   બંને દેશના નિકાસ અને આયાતકારોએ અનેક પ્રકારની  સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે, તો  બીજી  બાજુ  સરકારે  સ્થાનિક નિકાસકારોને  પ્રોત્સાહન આપવા વૈશ્વિક કક્ષાએ નવી બજાર ખોલવા માટે વિવિધ દેશો સાથે ફી-ટેડ એગ્રીમેન્ટ  કરવા સહિતની દિશામાં કવાયત હાથ ધરી છે, ત્યારે ઈરાન-ઈઝરાયલના ભયાનક ઘર્ષણ સાથે આખા મિડલ ઈસ્ટમાં અજંપાભરી સ્થિતિ નિર્માણ પામી છે. લાંબા સમય સુધી આ સ્થિતિ  લાંબી ચાલી, તો વ્યૂહાત્મક રીતે  મિડલ ઈસ્ટ સાથે સીધી રીતે જોડાયેલા  કચ્છના  કંડલા-મુંદરા મહાબંદરગાહો ઉપર અસર વર્તાશે. યુદ્ધનાં દૃશ્યો જોઈને કચ્છ તથા દેશભરના નિકાસ અને આયાતકારોમાં  તણાવમાં મુકાયા છે. - આયાત-નિકાસ ઉપર ચિંતાનાં વાદળો  : આજે સવારના ભાગે ઈઝરાયલે-ઈરાન ઉપર એકાએક હવાઈ હુમલા શરૂ કર્યા બાદ સ્થિતિ વણસી હતી. થોડા કલાકોમાં  મધ્ય-પૂર્વના યુ.એ.ઈ સહિતના વિસ્તારમાં પણ હવાઈ હુમલા થયા હોવાના અહેવાલ સાંપડયા હતા, જેને લઈને દેશના આયાત-નિકાસકારો ઉપર તણાવનાં વાદળો ઘેરાયાં છે. - મિડલ ઈસ્ટ સાથે ભારતનો  40 ટકા વેપાર : એક અંદાજ મુજબ આખાં મિડલ ઈસ્ટની કુલ આયાત  સામે ભારતની 40 ટકા વસ્તુઓનો હિસ્સો છે. સામાન્ય મિડલ ઈસ્ટના  જુદા-જુદા દેશોમાં ખાસ કરીને બાસમતી ચોખા, મસાલા, એડીબલ ઓઈલ, ચા, ખાંડ, અન્ય ખાદ્યસામગ્રી, ફળો, એગ્રી પ્રોડક્ટ, ફાર્માસ્યૂટીકલ, એન્જિનીયરિંગ ગુડ, ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ, સિરામિક ટાઈલ્સ સહિતની વસ્તુઓ અહીંથી મોટા  પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. બીજી બાજુ મિડલ ઈસ્ટમાંથી ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ, ફર્ટિલાઈઝર, ઓર્ગેનિક કેમિકલ, એરક્રાફ્ટ પાર્ટસ, આયર્ન અને સ્ટીલ, પ્લાસ્ટિક પ્રોડક્ટ સહિતની વસ્તુઓ આયાત કરવામાં આવે છે. - અમેરિકાના કોરડા બાદ મધ્ય-પૂર્વ આશા હતી : અમેરિકા ટેરિફ કોરડાથી દેશના નિકાસકારો ઘવાયા છે. નિકાસકારો નવી બજાર શોધવા માટે ખાસ મિડલ ઈસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, ત્યારે આ સ્થિતિ અનેક પ્રકારના આર્થિક માર પડશે. બાસમતી ચોખા નિકાસકારોએ પોતાના ઓર્ડરને હોલ્ડ ઉપર મૂક્યા હોવાનું વેપાર સાથે સંકળાયેલા વર્તુળોએ જણાવ્યું હતું. - મિડલ ઈસ્ટના કાર્ગોની કચ્છના બંદરો ઉપર આવન-જાવન : કંડલા-મુંદરા મહાબંદરે યુ.એ.ઈ., ઈરાન, ઈઝરાયલ, કતાર, કુવૈત, જોર્ડન, ઓમન સાઉદી અરેબિયા, યમન, બેહરીન, ઈજિપ્ત સહિતના દેશનો જોડવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. મિડલ ઈસ્ટનો મોટાભાગનો કાર્ગો વેપાર   કચ્છના મહાબંદર ઉપરથી અવરજવર કરે છે. મિડલ ઈસ્ટમાં તણાવે કચ્છના બંદર ઉપરથી  આયાત નિકાસ થતા એક્ઝિમને ચોક્કસપણે અસર કરશે. આ ઉપરાંત અન્ય દેશોના વેપારને  પણ વિપરીત પરિણામો ઊભા થશે. તણાવ લાંબો ચાલ્યો, તો  અનેક પડકારજનક પરિણામો આવશે તેવો મત ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો. ઈરાન અને ઈઝરાયલ બંને દેશ ભારતના સારા ટેડ પાર્ટનર છે. આ સંજોગોમાં ભારત કોના પક્ષમાં અને કોની સાથે ઊભું રહેશે. મિડલ ઈસ્ટના દેશોની સ્થિતિ અંગે ઉદ્યોગકારોએ મીટ માંડી છે.  

Panchang

dd