• રવિવાર, 01 માર્ચ, 2026

માધાપર પાસે ટ્રેન નીચે કચડાતાં યુવાનનું મોત

ભુજ, તા. 28 : ગઇકાલે સવારે માધાપર નજીક ટ્રેન નીચે આવી જવાથી અંદાજે 20 વર્ષીય અજાણ્યા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે હબાય પાસે બાઇક સ્લીપ થતાં લોડાઇના 64 વર્ષીય વૃદ્ધ જીતેન્દ્રભાઇ ઘેલુભાઇ જોશીનું ગંભીર ઇજાના પગલે મૃત્યુ થયું હતું. દરમ્યાન, અબડાસા તાલુકાના કોઠારામાં 42 વર્ષીય યુવાન જાડેજા હિતેન્દ્રસિંહ નવલસિંહે ફાંસો ખાઇને જ્યારે મુંદરાના મોટી ભુજપુરની વાડીમાં 33 વર્ષના શ્રમિક યુવાન દશરથ લાલુભાઇ નાયકે ઝેરી દવા પીને જીવ દીધા હતા. માધાપરના જૂનાવાસના કાર્ગો મોટર્સ પાછળ રેલવેના પાટા ઉપર તા. 27/2ના સવારે પાંચ વાગ્યાના અરસામાં અંદાજે 40 વર્ષીય યુવાન પુરુષ ટ્રેન નીચે આવી જતાં તેનું માથું કપાઇ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી શખ્સની ઓળખ જાણવા છાનબીન આદરી છે. લોડાઇના વડીલ જીતેન્દ્રભાઇ જોશી તેના કબજાની મોટરસાઇકલ નં. જીજે-12-ઇએચ-8609વાળી લઇને આજે સવારે પોતાના ઘરેથી ભુજ તરફ આવી રહ્યા હતા, ત્યારે સાતેક વાગ્યે હબાય પાસે પહોંચતાં બાઇક સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. આથી તેના પુત્ર કલ્પેશભાઇ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવી હતી. અબડાસા તાલુકાના કોઠારા ગામે રહેતા હિતેન્દ્રસિંહ જાડેજાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર અર્થે નલિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મુંદરા તાલુકાના મોટી ભુજપુરમાં ઇબ્રાહીમ ઓસમાણ કુંભારની વાંકરાઇ વાડીમાં રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના યુવાન શ્રમિક દશરથ લાલુભાઇ નાયકે ગઇકાલે બપોરે કોઇ અગમ્ય કારણે ઝેરી દવા પી લેતાં તેનું મોત થયું હતું. મુંદરા પોલીસ મથકે વિગતો જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તજવીજ આદરી છે. 

Panchang

dd