• રવિવાર, 01 માર્ચ, 2026

`હેમુદાદા' નાટકનો પ્રથમ પ્રયોગ માટુંગાના યશવંત નાટયગૃહમાં સફળતાપૂર્વક સંપન્ન

મુંબઈ : ગુજરાતી સમાજના અગ્રણી સ્તંભ અને બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા ડો. હેમરાજ શાહના પ્રેરણાદાયી જીવન પર આધારિત `હેમુદાદા' નાટકનો પ્રથમ પ્રયોગ તાજેતરમાં માટુંગા સ્થિત યશવંત નાટ્યગૃહ ખાતે કરાયો હતો. `હેમુદાદા' નાટક વસંત મારૂ અને કવન સાવલા લિખિત અને દિગ્દર્શિત છે, જેને 40થી વધારે કલાકારે ભજવ્યું હતું. નવનીત ગુજરાતી સમાજના પ્રમુખ ડો. નાગજી રીટાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, 86 વર્ષીય ડો. હેમરાજ શાહ માત્ર રંગભૂમિ જ નહીં, પરંતુ ત્રણ અલગ-અલગ કલા માધ્યમો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયાએ હેમરાજ શાહનાં કાર્યોને વટવૃક્ષ ગણાવી અને સમાજ તેની નિશ્રામાં શાતા અનુભવે છે તેમ જણાવ્યું હતું. મનીષા શર્મા દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મ `ડો. હેમરાજ શાહ : એક સમર્પિત જીવન'ને ન્યૂ દિલ્હી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ઓરિજિનલ ક્રીનપ્લેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ એવોર્ડ તેમણે હેમરાજને અર્પણ કર્યો. આજના પ્રસંગને હેમરાજભાઈએ જીવનની અત્યંત યાદગાર ક્ષણ ગણાવી હતી. મહામંત્રી રાજેશ દોશીએ આભારવિધિ કરી હતી અને જણાવ્યું હતું કે, બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ અને મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળના સ્થાપક ડો. હેમરાજ શાહે મુંબઈમાં ગુજરાતી સમુદાય માટે અનેક મંચો ઊભા કર્યા છે. મરાઠી અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર તેઓ છેલ્લાં 60થી વધુ વર્ષોથી `કચ્છશક્તિ' સામયિકનું અવિરત પ્રકાશન કરી રહ્યા છે. 

Panchang

dd