• શનિવાર, 27 જુલાઈ, 2024

સિદ્ધાંત અને પરંપરા ચીંધનારા ગુરુનું વિશેષ મહત્ત્વ

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 11 : ઐતિહાસિક અંજારના આંગણે શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી શ્રીમદ સત્સંગી જીવનકથા પારાયણના તૃતીય દિવસે ગૌલોકવિહારીદાસજી સ્વામી અને પરમહંસદાસજી સ્વામીએ હરિભક્તોને રસપાન કરાવતાં પ્રભુ ઘનશ્યામ મહારાજની જીવનલીલાઓ વર્ણવી હતી. સંપ્રદાયના વર્તમાન મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદના 80મા જન્મોત્સની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જન્મોત્સવ અંતર્ગત  સ્વામિનારાયણ મંદિરમાં મોટા મહારાજના હસ્તે પૂજન-અર્ચન કરાયું હતું. ઘનશ્યામ મહારાજને ફળોના રસનો  અભિષેક કરાયો હતો. કથા સ્થળે ભૂદેવો દ્વારા સ્વસ્તિ વાંચન, ઠાકોરજીનું પૂજન અને મોટા મહારાજના હસ્તે ઠાકોરજીની આરતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ઠાકોરજીને થાળ જમાડવામાં આવ્યો હતો. સંપ્રદાય આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, ભાવી આચાર્ય, તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભુજ મંદિરના મહંત  ધર્મનંદનદાસજી મહારાજ, ઉપમહંત સ્વામી ભગવદજીવન દાસજી અને પાર્ષદ જાદવજીભગત દ્વારા મોટા મહારાજનું પૂજન કરાયું હતું.  મંદિરના ટ્રસ્ટી મંડળના મૂરજીભાઇ કોઠારી, જાદવજી વિશ્રામ ગોરસિયા, રામજી દેવજી વેકરિયા તેમજ શામજી ધનજી હીરાણી અને મહંતોના હસ્તે સુવર્ણ હાર સહિતની ભેટો આપવામાં આવી હતી તેમજ સમસ્ત ચોવીસી ગામના સાંખ્યોગી બહેનો તરફથી પણ ભેટ મોટા મહારાજને  આપવામાં આવી હતી. શુકદેવસ્વરૂપદાસજી સ્વામીએ સંપ્રદાયના વર્તમાન મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજી આજથી 60 વર્ષ અગાઉ જ્યારે લાલજી મહારાજ તરીકે હતા ત્યારે તત્કાલીન સંપ્રદાયના આચાર્ય .ધુ. 1008 દેવેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી અંજારના હરિભક્તોને ઘનશ્યામ મહારાજની ભેટ અર્પણ કરી હતી, એવું જણાવેલું હતું, વધુમાં ઉમેર્યું હતું  કે, આચાર્ય  સંપ્રદાયના અક્ષરધામ છે, સમવાહક છે.   અમદાવાદ મંદિરના પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, ઉપમહંત ભગવત જીવનદાસજી સ્વામી, જેતલપુર ધામ મંદિરના સ્વામી દ્વારા મોટા મહારાજને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવાઈ હતી.  તેઓએ જણાવ્યું હતું કે, ધર્મકુળ, સંતો અને હરિભક્તોનો પ્રેમ માત્ર નરનારાયણ ગાદીમાં જોવા મળે છે, મંદિરોએ ભગવાનના સ્થૂળ અવતાર સમાન છે.  મહંત સ્વામીએ  કહ્યું હતું  કે, શ્રીજી મહારાજનાં વચનો અનુસાર સંપ્રદાયની ગાદી ઉપર બિરાજમાન સાક્ષાત બ્રહ્મમસ્વરૂપ છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષે વૈશાખ સુદ પૂનમ તા. 12/5/2025ના  કચ્છના રાપરમાં બની રહેલા  સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવશે. સંપ્રદાયના ભાવી આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજે અંજાર મધ્યે ઊજવાઇ રહેલા ઉત્સવને વધાવ્યો હતો તેમજ મોટા મહારાજના જન્મદિન તેમજ અંજારમાં બનેલા નૂતન મંદિર માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ દેશ-વિદેશમાં વસીને સત્સંગ, સંસ્કાર અને સંસ્કૃતિ જાળવવાના સૌ હરિભક્તોના પ્રયાસોને બિરદાવ્યા હતા. આજના પ્રસંગે સંપ્રદાયના આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીએ જણાવ્યું હતું કે, વડીલોના માર્ગદર્શન થકી જીવનનો માર્ગ સરળ બને છે. ભાવવિભોર કંઠમાં કહ્યું હતું કે,  સિદ્ધાંત અને પરંપરા ચીંધનારા ગુરુનું મહત્ત્વ વિશેષ હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવેલ આમૂલ પરિવર્તનો મોટા મહારાજના પ્રયાસો થકી સંભવ બની શક્યા છે. સંતો અને હરિભક્તો દ્વારા જીવનમાં અકલ્પનીય હૂંફ મળી રહે છે. સંઘર્ષો માટે ગૌરવ અનુભવતા હોવાનું જણાવી  આચાર્ય મહારાજે દૃષ્ટિથી જોઇને હૃદયમાં સાચવવાથી જીવન સાર્થક બનવાની શીખ આપી હતી. પોતાના 80મા જન્મોત્સવ નિમિત્તે મોટા મહારાજે જીવનના પ્રસંગો વર્ણવતાં પાયાના સંસ્કારોની અગત્યતા વર્ણવી હતી. તેમને આજે  મળેલી  તમામ ભેટ-સોગાદોને છપૈયાના ઘનશ્યામ મહારાજજીને અર્પણ કરી હતી. કથા પારાયણના તૃતીય દિવસ નિમિત્તે ભગવાનના સુવર્ણ વાઘા અર્પણવિધિ અને ભગવાનનો અંજાર આગમન ઉત્સવ ભવ્યાતી ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang