• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ભારત-નેપાળના સંબંધ હિમાલય જેવા મજબૂત : બાલેન

નવી દિલ્હી, તા. 23 : સીમા વિવાદે સર્જેલી તાણ વચ્ચે સબંધોમાં પ્રાણ ફૂંકતી ચેષ્ટામાં ભારતે સોમવારે નેપાળને 15 હજાર કરોડ રૂપિયાની માતબર મદદ આપવાનું ઐતિહાસિક એલાન કર્યું હતું. આ પેકેજનું મૂલ્ય નેપાળી રૂપિયા મુજબ 24 હજાર કરોડ રૂપિયા થાય છે. ભારત પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતાં કહ્યું હતું કે, નેપાળ-ભારતના સંબંધો હિમાલય જેટલા મજબૂત અને સમુદ્ર જેવા વિશાળ છે. આ અવસરે બે દેશ વચ્ચે ટ્રેનને મોદી-બાલેને લીલીઝંડી આપી હતી. બન્ને દેશ વચ્ચે શહેરી વિકાસથી માંડીને સ્વાસ્થ્ય સહિતનાં ક્ષેત્રોમાં આઠ મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહના પ્રથમ પ્રવાસને બે દેશોની ઊંડી મિત્રતાનું પ્રતીક લેખાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ભગવાન રામ અને માતા સીતા ભારત-નેપાળની સહિયારી સભ્યતાના પ્રતીક છે. વડાપ્રધાન મોદીએ 2018ની જનકપુર યાત્રાને યાદ કરતાં કહ્યું હતું કે, નેપાળ વિના અમારાં ધામ અધૂરા છે, નેપાળ વિના અમારા રામ અધૂરા છે. બન્ને નેતા વચ્ચે વાતચીત દરમ્યાન ભારત-નેપાળ વચ્ચે કાઠમંડુ-ભૈરહવા-લખનઉ હવાઈ રૂટ બન્ને તરફથી શરૂ કરવા પર સહમતી બની હતી. આમ થતાં લખનઉથી આવતાં વિમાન ભૈરહવાના રસ્તે કાઠમંડુ પહોંચી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વિકાસયાત્રાને અવિચળ સહયોગની પ્રતિબદ્ધતા સાથે 15 હજાર કરોડ રૂપિયાની મદદનું એલાન કર્યું હતું. આ મદદમાંથી ભૂકંપ પછીના પૂનર્વસન અને માળખાંકીય સુવિધાઓની નવી યોજનાઓ માટે 3500 કરોડ અને ઊર્જા ક્ષેત્રની યોજનાઓ માટે 11,400 કરોડ રૂપિયા લાઈન ઓફ ક્રેડિટ છે. બન્ને વડાપ્રધાનોએ ભારતના અયોધ્યા અને નેપાળના જનકપુર વચ્ચે સરયુ-કમલા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ ટ્રેન સેવા માત્ર બે દેશ વચ્ચે સંપર્કનો સેતુ જ નહીં રચે, પરંતુ રામાયણ સર્કિટ પર ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસને પણ બળ પૂરું પાડશે. બન્ને નેતાએ ભારત-નેપાળ વચ્ચે વીજળી, રેલવે, સડક સાથે જોડાયેલી અનેક મહત્ત્વની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. બાલેને પીએમ મોદીને નેપાળની યાત્રા માટે આમંત્રણ આપ્યું હતું. મોદી-બાલેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને નેપાળ પોલીસના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ વચ્ચે એમઓયુ સહિત આઠ જેટલી મહત્ત્વની સમજૂતી થઈ હતી. આ ઉપરાંત  મોદી અને બાલેને સરયુ-કમલા એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન અયોધ્યાને નેપાળના જનકપુરી સુધી જોડશે. આ ઉપરાંત મોદીએ નેપાળ માટે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ પેકેજનું એલાન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં બાલેન શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠક પહેલાં બાલેન શાહે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિઅર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના વારસામાં એવો પ્રકાશ છે જે શાંતિનો સંદેશ આપે છે. કરુણાને સૌથી મોટી શક્તિ ગણાવતા બાલેને કહ્યું હતું કે, વાસ્તવિક નેતૃત્વનો અર્થ સમાજના સૌથી કમજોર વર્ગોની નિ:સ્વાર્થ સેવા કરવાનો છે. મોદીએ કહ્યું, સરયુ-કમલ એક્સપ્રેસ ટ્રેન સેવાના માધ્યમથી બન્ને દેશના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. ટ્રેન સેવા અયોધ્યા આવતાં શ્રદ્ધાળુઓને નેપાળના જનકપુર સુધીની યાત્રામાં મદદ કરશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત-નેપાળનો સંબંધ માત્ર પડોશનો જ નહીં પોતાપણા અને અતૂટ વિશ્વાસનો સંબંધ છે.  બાલેન શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારત સાથે સમજૂતીઓનો ફાયદો કિસાનો, યુવાનો અને છાત્રો સુધી પહોંચવો જોઈએ. તેમણે  મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર સાર્થક અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાતચીત કરી છે. આ ઐતિહાસિક પગલાં  નેપાળ અને ભારતના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. હિમાલયથી વહેતું સ્વચ્છ પાણી પૂરાં ક્ષેત્રના કરોડો લોકોનું જીવન ચલાવે છે.  હિમાલયથી નીકળીને ગંગામાં ભળતી પવિત્ર નદીઓ સંયુક્ત ભવિષ્ય અને ભાગ્યની યાદ અપાવે છે. આ માટે ભારત અને નેપાળે મળીને કામ કરવું પડશે. બાદમાં પીએમ મોદી અને બાલેન  શાહ વચ્ચે ઊર્જા, કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દે વાતચીત થઈ હતી. બન્નેએ અયોધ્યા-જનકપુર ટ્રેનને લીલીઝંડી પણ બતાવી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd