• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ઐતિહાસિક સ્મૃતિઓનું દસ્તાવેજીકરણ કરવા પ્રયાસ

ભુજ, તા. 23 : ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાને ઉજાગર કરવા તથા નવી પેઢીને પોતાની ધરોહરથી પરિચિત કરવાના હેતુથી ગુજરાત ટૂરિઝમના સહયોગથી સમગ્ર ગુજરાતમાં  `આપણી ધરોહર - ધરોહરોત્સવ 2026' અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત `આપણી ધરોહર' અને `ભુજ બ્લોગર્સ'ના સંયુક્ત પ્રયાસથી ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોક યોજાઈ હતી. ઐતિહાસિક વારસાને ફોટોગ્રાફી દ્વારા દસ્તાવેજીકૃત કરવા પ્રયાસ કરાયો હતો. સવારે 7:30 કલાકે મહાદેવ ગેટ નજીક, જૂના ધાટિયા ફળિયાથી વોકનો પ્રારંભ થયો હતો. ગુજરાત ટૂરિઝમ દ્વારા પ્રમાણિત ગાઈડ દિનેશભાઈ મચ્છર તથા રાજેશભાઈ માંકડ દ્વારા ભુજના ઐતિહાસિક સ્થળો, સ્થાપત્ય, રાજવી સમયની પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસા અંગે માર્ગદર્શન અપાયું હતું. એનજીઓના પ્રતિનિધિ રક્ષિતભાઈ તથા પાર્થ ગોરના આયોજન અને સંકલન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં યુવાનો તથા વરિષ્ઠ નાગરિકો સહિત 60 જેટલા લોકોએ ભાગ લીધો હતો. એમ. આઈ. બાયડ સહયોગી રહ્યા હતા. હેરિટેજ વોક દરમિયાન મહાદેવ નાકા વિસ્તાર, નવી ટંકશાળ વિસ્તાર, ઉપલીપાળ ખાતે આવેલું દ્વારિકાધીશ મંદિર, પાળેશ્વર ચોકનું જૂનું પ્રસાદી સ્વામિનારાયણ મંદિર તથા નજીકમાં આવેલી જન્નત મસ્જિદ સહિતનાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો પરિચય મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈના મહેલ, પ્રાગ મહેલ અને રાણીનો મહેલ સહિત કચ્છના રાજવી સમયના સ્થાપત્યોનું નિરીક્ષણ કરાયું હતું. શરાફ બજાર વિસ્તારની જૂની ચાવડી પોલીસ ચોકી, જૂની શાકમાર્કેટ, ધાટિયા ફળિયા અને પેરિસ બેકરી તરફના વિસ્તારોમાંથી પસાર થઈ મહાદેવ ગેટ સુધીની સફર કરાઈ હતી. આ સમગ્ર માર્ગમાં આવેલા જૂનાં મકાનો, પરંપરાગત બાંધકામ, સ્થાપત્ય અને ભુજની જૂની શહેરી રચનાને નિહાળવામાં આવી હતી. ભૂકંપમાં ધરાશાયી કે વિસર્જિત થયેલાં જૂનાં મકાનો તથા ઐતિહાસિક બાંધકામોની ફોટોગ્રાફી કરાઈ હતી. આ પ્રયાસ દ્વારા ભૂકંપ પહેલાંના ભુજની સ્થાપત્યશૈલી, બદલાતી શહેરી ઓળખ અને ઐતિહાસિક સ્મૃતિઓનું દસ્તાવેજીકરણ કરવાનો પ્રચાર કરાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd