ગાંધીધામ, તા. 23 : રાપરના આડેસરમાં ઘરના આંગણામાં
ગાંજાની ખેતી કરતા એક શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ ઘરના આંગણામાંથી રૂા. 2,47,900ના ગાંજાના બે ઝાડ જપ્ત કરાયાં
હતાં. બીજીબાજુ મૌવાણા ચેકપોસ્ટ ખાતેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂા. 5932ના પોષડેડા જપ્ત કરાયા હતા. આડેસરમાં ફૂલવાડી વિસ્તારમાં મહાકાળી મંદિર
પાસે રહેતા તથા સેવાપૂજા કરતા હેમગર જાલમગર ગુસાઈ નામના વૃદ્ધને પોલીસે પકડી પાડયો
હતો. આ શખ્સે મકાનના આંગણામાં ગાંજાના રોપા વાવ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે
કાર્યવાહી કરી હતી. પોલીસે આ વૃદ્ધને સાથે રાખી તપાસ કરી હતી. મકાનના આંગણામાંથી 10 ફૂટ 3 ઈંચ તથા 6 ફૂટ એમ ગાંજાના બે ઝાડ મળી આવ્યાં હતાં.
આ ઝાડ ગાંજાના હોવાનું આ શખ્સે જણાવ્યું હતુ. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી ખરાઈ
કરાવતાં લીલા રંગના કરકરિયા પાનવાળા ફલાવરિંગ ટોપ,
બીજ, ડાળખા, પાંદડાવાળા આ
ઝાડમાં કેનાબીસના સક્રિય ઘટકોની હાજરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઝાડ ઉખેડી લેવામાં
આવ્યાં હતાં તથા ત્યાંથી માટી પૃથક્કરણ અર્થે લેવામાં આવી હતી. અહીંથી રૂા. 2,47,900ના ગાંજાના બે ઝાડ પોલીસે જપ્ત
કર્યાં હતાં. આ વૃદ્ધે ગાંજાના રોપા કે બીજ ક્યાંથી મેળવ્યા હતા તે બહાર આવ્યું નથી.
તે કોને વેચવાનો હતો તે પણ બહાર આવ્યું ન હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ
મૌવાણા ચેકપોસ્ટ ખાતે પોલીસે કાર્યવાહી કરી હતી. વાહન ચેકિંગમાં રહેલા પોલીસે સ્કોર્પિયો
ગાડી નંબર જી.જે.-15 - સી.એસ.- 4429ને રોકાવી તપાસ કરી હતી. બોનેટ
ખોલતાં બેટરીની બાજુમાં પોટલી મળી હતી, જેમાંથી રૂા. 5932ના પોષડેડાની ભૂકી મળી આવી હતી. એફએસએલ અધિકારીએ આ
માદક પદાર્થ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. રાજસ્થાનથી ખાવડા જતા જોધપુરના જસરાજ મુલારામ
બિશ્નોઈ, હડમનારામ
ક્રિષ્નારામ બિશ્નોઈ તથા પુખરાજ મુલારામ બિશ્નોઈની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ
ધરી છે.