દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 23 : `મુન્દ્રાનો કલા-સાહિત્ય સાથે
ઘેરો નાતો રહ્યો છે, મુન્દ્રાની
માટીએ ઘણા કલાકારો આપ્યા છે, સુલેમાન જુમાનું સંગીત આપ્યું છે, આ શહેર ભારતીય સંસ્કૃતિને
સાચવીને બેઠું છે, એના ઘરોમાં માત્ર બાંધકામો નહોતા, કમાંગરી કલા હતી, ઘરોમાં બેલ્જીયમથી આવેલા ગ્લાસ હતા,
વિદેશી કલા પણ સામેલ હતી, પેરિસ ગણાતું અને વિશ્વભર
સાથે જોડાણ હતું. હવે ઔદ્યોગિક વિકાસ ઘણો છે અને વિશ્વ સાથે ફરી જોડાણ છે, પરંતુ કલા- સાહિત્યના દ્રષ્ટિકોણથી વિકાસની વાત ઓછી થાય છે. યુવાનો આ ભવ્ય-
વૈભવી વારસાને જુએ - સમજે તો વર્ષો જૂની પેરિસની કલ્પના સાચા અર્થમાં સાકાર થશે અને
કલાકારોને સ્થાનિકે જ એક મંચ પ્રદાન કરવાનાં હેતુથી મારી બાળપણના સપનાંની અને આ પ્રકારની
કચ્છની પહેલી આર્ટ ગેલેરી શરૂઆત કરી. ' એમ કહે છે જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અશોક ચૌધરી. બે વર્ષ પહેલાં 16 ઓગસ્ટ, 2024નાં મુન્દ્રામાં
કચ્છની કલા, લોક સંસ્કૃતિ અને વન્યજીવનને
ઉજાગર કરતી, 100 વર્ષથી વધુની
ગેરંટીવાળા પ્રિન્ટિગ સાથેની આર્કાઈવ્ઝ યુનિટ
સાથેની આ પ્રકારની કચ્છની પહેલી ' સ્પંદન પિક્સલ આર્ટ ગેલેરી'
ની સ્થાપના કરનાર આ સર્જક અને તસવીરકાર સાથે કચ્છમિત્રએ વાતચીત કરી હતી.
જેમાં આવી ગેલેરીના નિર્માણ પાછળનો વિચાર અને હેતુ શું? એવા પ્રશ્ન
પર તેમણે મુન્દ્રાના ભવ્ય વારસાને સાચવવાની વાત કરતાં વધુમાં કહ્યું કે, મારી જન્મભૂમિ મુન્દ્રા બીજી વખત ભારે વિકાસના પંથે છે, પણ અત્યારે કલા-સાહિત્ય પ્રકૃતિનું જતન ખૂટે છે. આ સંજોગોમાં કોઈને દોષને બદલે
આપણે શું કરી શકીએ તેવા વિચારથી આર્ટ ગેલેરી શરૂ કરી છે, જે બાળપણનું
સપનું પણ હતું. હવે એ સમજી લેવું પડશે કે, વિકાસ ભલે થાય,
પર્યાવરણ, પ્રકૃતિને નૈતિક રીતે નજર અંદાજ ન કરી
શકાય. પ્રકૃતિ આપણાથી નથી, આપણે પ્રકૃતિથી છીએ. પર્યાવરણ બચાવીને,
કલા વારસો જાળવી અને પ્રકૃતિ સાથે સંતુલન સાધીને વિકાસ થાય એવી નગરજનો
અને તંત્રો પાસે આશા છે. ગેલેરી આરંભના સંસ્મરણ
ઉમેરતાં કહે છે કે, આપણે એવા કોઈપણ સમાજની કલ્પના ન કરી શકીએ
કે, જેમાં સાહિત્ય કે કલાકાર ન હોય. ગેલેરી આરંભ સમારોહમાં મિત્ર
સાગર પી. સથવારાના પુસ્તક `વજુદે સાગર'નું વિમોચન પણ કરાયું હતું. આ ગેલેરીની અદાણી પોર્ટના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિતભાઈ
શાહ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ
દવે, રાજ પરિવારના કૃતાર્થાસિંહ જાડેજા, સાહિત્યકાર દલપતભાઈ દાણીધારીયા, અમૃત ગંગર, દેશના જાણીતા યુ ટયુબરો, કારીગર ક્લિનિક ગ્રુપ સહિત અનેક
મહાનુભાવોએ મુલાકાત લીધી છે અને આ સ્થાન મુન્દ્રાનું એક પ્રવાસ સ્થળ તરીકે વિકસી રહ્યું
છે. સ્કુલ- કોલેજના વિદ્યાર્થીઓ નિયમિત મુલાકાત
લે છે. જેમાં કચ્છની ભૂગોળ, પ્રવાસન, જીવ
વૈવિધ્ય જાણવાની તક મળે છે. ગેલેરી બધા માટે ખુલ્લી જ છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીના
શોખ વિશેના પ્રશ્ન પર તેઓ કહે છે કે, ફોટોગ્રાફી અને વાંચન વારસામાં
મળ્યું છે. પિતા નિવૃત્ત આર્મી મેજર મુરલીરામ ગોલારામ ચૌધરી સાથે ઘણું ફર્યો અને કચ્છને
મૂળ સ્વરૂપમાં જોયું. પણ, ભૂકંપ પછી જે પરિવર્તન દેખાયા,
તેમાં પ્રકૃતિ, પશુ-પક્ષી, વન્યજીવન તરફ વધુ ખેંચાયો. કચ્છની સંસ્કૃતિ, લોકજીવનને
કેમેરાના માધ્યમથી દસ્તાવેજીકરણ કર્યું. એ પહેલાં બેંગ્લોરમાં ફેશન ફોટોગ્રાફીનો અનુભવ લીધો. કચ્છની અનેક દુર્લભ
તસવીરો વિશ્વના ટોચના મેગેઝીનમાં પ્રસિદ્ધ થઈ. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડના કન્ઝર્વેશન
પ્રોજેક્ટમાં આઇટીસી ક્લાસમેટ બુક દ્વારા એક કરોડ પ્રિન્ટ નીકળી અને વિશ્વ વિક્રમ રચાયો.
કચ્છના ઘોરાડ પક્ષીની આ તસવીરની 38 લાખની રોયલ્ટી વન્ય સંરક્ષણ હેતુ દાનમાં આપી દીધી. આ તમામ સિદ્ધિઓમાં
અલગ અલગ તબક્કે પ્રેરણાસ્રોત ધીરજ ચાવડા, અશ્વિન ઝિંઝુવાડિયા દિનેશ સોની,
હીરાલાલ બલવા, નવીન સોની, બીપીન સોની, હસમુખ મચ્છર વગેરેનું અમૂલ્ય માર્ગદર્શન
રહ્યું.