ગાંધીધામ, તા. 23 : પૂર્વ કચ્છ પોલીસે દારૂની બદીને
ડામવા કડક કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત
ગુનાશોધક શાખાએ બે શખ્સોની પાસા તળે અટકાયત કરી બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા
હતા. મેઘપર બોરીચીના પારસ નગર સોસાયટીમાં રહેનાર ઘનશ્યામસિંહ ઉર્ફે રાહુલસિંહ જેઠુભા
જાડેજા સામે અગાઉ આદિપુરમાં બે અને ગાંધીધામ બી-ડિવિઝનમાં એક દારૂ સંબંધી ગુના નોંધાયેલા
છે તથા ઓધવ દર્શન સોસાયટી મેઘપર બોરીચીમાં રહેનાર ચંદન ગોપાલ ગુપ્તા સામે ગાંધીધામ
બી-ડિવિઝનમાં બે ગુના નોંધાયેલા છે. બહારના રાજ્યમાંથી દારૂના નાના-મોટા જથ્થા મગાવી,
સંગ્રહ કરી હેરાફેરી કરવાના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી
કરવાની ઉપરી અધિકારીઓના આદેશ બાદ ગુનાશોધક શાખાએ કમર કસી હતી. આ બંને શખ્સો વિરુદ્ધ
પાસાની દરખાસ્ત જિલ્લા સમાહર્તા સમક્ષ મૂકી હતી. ત્યાંથી લીલીઝંડી મળતાં પોલીસે બંનેની
પાસા તળે અટકાયત કરી હતી અને ઘનશ્યામસિંહને મધ્યસ્થ જેલ અમદાવાદ તથા ચંદન ગુપ્તાને
મધ્યસ્થ જેલ વડોદરા ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.