નવી દિલ્હી, તા. 17 : ભારત દેશમાં
સત્તારૂઢ પક્ષ ભાજપનાં સંગઠનની નવી કારોબારીનું સોમવારે એલાન કરાયું હતું. કેસરિયા
પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ટીમના 65 સભ્યમાં 12 મહિલાને સ્થાન
અપાયું છે. `ટીમ નબીન'માં સ્મૃતિ ઇરાની અને રામ માધવની પણ વાપસી થઇ
છે. 51 નવા ચહેરા છે. ગુજરાત રાજ્યમાંથી
વર્ષાબેન નરેન્દ્રભાઇ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ સહિત કુલ ચાર ગુજરાતી નેતાને નવી
ટીમમાં વિવિધ જવાબદારી સોંપાઇ છે. નવી કારોબારીમાં ખાસ કરીને જ્યાં ચૂંટણી થનારી છે, તેવાં રાજ્યોને નજરમાં રાખીને પસંદગી કરાઇ છે.
કુલ 13 ઉપાધ્યક્ષ, આઠ મહામંત્રી અને 16 મંત્રી સમાવતી નવી ટીમમાં 2027ની વિધાનસભા ચૂંટણી જ્યાં થવાની
છે, તેવા સાતમાંથી ચાર રાજ્યને પ્રતિનિધિત્વ મળ્યું
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી કારોબારીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે,
નીતિન નબીનનાં નેતૃત્વ હેઠળની આ નવી ટીમ સંગઠનાત્મક અનુભવ, યુવાશક્તિની ઊર્જા, છેવાડા સુધીનાં જોડાણનું અદ્ભુત સંયોજન
છે. નવનિયુક્ત પદાધિકારીઓ, સભ્યોને નવી જવાબદારીમાં સફળતાની શુભેચ્છા
આપતાં પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવી ટીમ પક્ષને
વધુ મજબૂત બનાવશે અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ ઊંડી કરશે. નબીનની નવી ટીમમાં
એક ધ્યાન ખેંચે તેવા બદલાવમાં આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવીયને હટાવી દેવાયા છે. તેમનાં
સ્થાને દીપક મ્હસ્કેને જવાબદારી અપાઈ છે. રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે
ઉપાધ્યક્ષ પદે જ રહેશે, તો બીએલ સંતોષ પણ રાષ્ટ્રીય સંગઠનમંત્રીનાં
પદે જળવાયા છે. નીતિન નબીન 45 વર્ષની વયે ભાજપના સૌથી યુવાન રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાના 209 દિવસ બાદ આજે નવી ટીમનું એલાન
કરાયું હતું. નવી કારોબારીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મહામંત્રીનું
પદ અપાયું છે, તો રામ માધવને ઉપાધ્યક્ષ
પદ સોંપાયું છે. નવી ટીમમાં 14 સભ્યને બીજીવાર જવાબદારી સોંપાઈ છે, જ્યારે 51 નવા ચહેરા છે. 73 વર્ષનાં વસુંધરા રાજે સૌથી
વડીલ નેતા છે, તો યુવા મોરચાના અધ્યક્ષ
બનાવાયેલા ગુજરાતના 35 વર્ષીય ડો.
હેમાંગ જોશી સૌથી નાની વયના નેતા છે. વર્ષ 2027માં જ્યાં વિધાનસભા ચૂંટણી યોજાશે તેવાં રાજ્યોમાંથી ચાર રાજ્યને
પ્રતિનિધિત્વ મળ્યું છે. ઉત્તરપ્રદેશમાંથી આઠ, ગુજરાત અને ઉત્તરાખંડમાંથી ચાર-ચાર અને પંજાબમાંથી બે નેતાને ટીમમાં સ્થાન
મળ્યું છે. ગોવા, મણિપુર, હિમાચલ પ્રદેશમાંથી
કોઈ જ નેતાને સામેલ કરાયા નથી. નવી `ટીમ નબીન'માં 78.5 ટકા જેટલા નવા ચહેરાને સ્થાન
આપીને કેસરિયા પક્ષનાં નેતૃત્વએ સંગઠનમાં ધરખમ ફેરફાર કર્યા છે.