અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી)
: ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ
મંત્રી નીતિન ગડકરી હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે રાજ્યના ધોરીમાર્ગોને લઇને
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં ઉચ્ચ
સ્તરીય બેઠક યોજી હતી. રાજ્યમાં ચાલતી ધોરીમાર્ગોની કામગીરી બાબતે નીતિન ગડકરીએ જણાવ્યું
કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી
લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ કરાશે. તદુપરાંત સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ફંડમાંથી રાજ્યના નેશનલ હાઈવેના કામો માટે ફંડ મેળવવા અંગેની દરખાસ્તો ત્વરાએ કેન્દ્રીય
મંત્રાલયને મોકલી આપવા તેમણે અનુરોધ કર્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના
સલાહકારે કરેલા પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ પરના સામખિયાળી-માળિયા
સેક્શન પરના કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ
તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર
અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી. ગડકરીએ માર્ગોના ડીપીઆર તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં
હોય તેવા તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરી
અંગેની કાર્યવાહી 60 દિવસ માટે
સ્થગિત કરવાનું જે મોડલ ગુજરાતે અપનાવ્યું છે તે માટે મુખ્યમંત્રીને અભિનંદન આપતા જણાવ્યું
કે, ગુજરાતનું મોડલ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બની
શકે તેમ છે.