નવી
દિલ્હી,
તા. 27 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે મુક્ત વેપાર
કરાર (એફટીએ) પર હસ્તાક્ષર થઈ ગયા હતા. આ સંધિ બાદ હવે ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલાતા
ચામડાંના સામાન, કાપડ, પ્લાસ્ટિક અને
ઈજનેરી વસ્તુઓ પર કોઈ નિકાસ ડયૂટી નહીં લાગે. આમ થવાથી શ્રમ પ્રધાન ક્ષેત્રોને
સીધો લાભ થજશે. આ કરાર ભારતીય અર્થવ્યવસ્થા અને નિકાસકારો માટે વૈશ્વિક બજારમાં એક
મોટી કૂટનીતિક તેમજ આર્થિક જીત મનાય છે. મુક્ત
વેપાર કરારની સૌથી ખાસ વાત એ છે કે, 16 માર્ચ, 2025ના
શરૂ થયેલી વાચચીત વિક્રમી નવ મહિનામાં જ પૂરી કરી લેવાઈ હતી. આ સમજૂતી લાગુ થતાં જ
ભારતને તમામ ટેરિફ ઉત્પાદનો પર રાહતરૂપે ન્યૂઝીલેન્ડને થનારી 100 ટકા
નિકાસ ટેરિફમુકત રહેશે. અત્યારે ન્યૂઝીલેન્ડ દ્વારા ભારતથી નિકાસ કરાતાં લગભગ 450 ઉત્પાદન
પર 10 ટકાની
ડયૂટી લગાડાય છે, જે ખતમ થઈ જશે. બીજી તરફ આ
છૂટના બદલામાં ભારતે પણ ન્યૂઝીલેન્ડથી આવતા 95 ટકા સામાનો પર ટેરિફમાં
છૂટ આપી છે અથવા ઘટાડી દીધો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આ
કરારને એક પેઢીમાં એકવાર થતી સમજૂતી લેખાવ્યો હતો, તો
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સંધિને બન્ને દેશના આર્થિક સંબંધમાં
નવા અધ્યાયની શરૂઆત લેખાવી હતી. મુક્ત
વેપાર કરાર હેઠળ ન્યૂઝીલેન્ડ આવનારાં 15 વર્ષ દરમ્યાન ભારતમાં 20 અબજ
ડોલર એટલે કે, લગભગ 1.8 લાખ
કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ખાસ કરીને બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણો કરવા
અને ભારતમાં મોટાં વિદેશી રોકાણો આકર્ષવાના મુખ્ય હેતુઓ સાથે આ કરાર કરાવ્યો છે. પાંચ
હજાર ભારતીય વ્યાવસાયીઓને વર્કિંગ વિઝા મળશે. દર વર્ષે એન્જિનીયરિંગ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં ખાસ તકો ભારતના યુવાનોને મળી શકશે. એફટીએ
મારફતે સેવાઓનાં ક્ષેત્રમાં ભારતે ઘણાં કિંમત સેક્ટરમાં પહોંચની ગેરન્ટી મેળવી છે.
જેમાં આઇટી આધારિત સેવા, પ્રોફેશનલ સેવાઓ, શિક્ષણ, ફાયનાન્સ સેવા, પર્યટન,
નિર્માણ અને અન્ય સામેલ છે. આ સમજૂતી અસ્થાયી રોજગાર પ્રવેશ વિઝા
મારફતે કુશળ ભારતીય પ્રોફેશનલ્સ માટે નવી તક પેદા કરી શકે છે. આ ઉપરાંત ભારતથી
નિકાસ થતા વાઇન અને સ્પીરિટને ન્યુઝીલેન્ડની બજારમાં કોઈપણ ડયૂટી વિના પહોંચ મળશે.
ઓસ્ટ્રેલિયા સાથે અપનાવવામાં આવેલા એફટીએના આધારે ભારતે ન્યુઝીલેન્ડ માટે પણ
પોતાની 70 ટકા
ટેરીફ લાઈન ખોલી છે. ભારતે સફરજન, કીવી, મધ અને એલ્બુમિન જેવા કૃષિ ઉત્પાદન ઉપર ડયૂટીમાં રાહત આપી છે. લોખંડ,
સ્ટીલ અને ક્રેપ એલ્યુમિનિયમ જેવા ઘણા ઉત્પાદન ઉપર ડયૂટી 10 વર્ષની
અવધિમાં ધીરે ધીરે ખતમ કરવામાં આવશે જ્યારે દૂધ, ક્રીમ,
દહીં અને ચીઝ જેવાં ડેરી ઉત્પાદન તેમજ ચણા, ડુંગળી,
મકાઈ અને બદામ સહિતની વસ્તુઓને એફટીએમાંથી બહાર રાખવામાં આવી છે.