• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ખડગેના ગુજરાત દ્વેષની ભીતર હારનો ડર

અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરેલા અપમાનજનક નિવેદનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડા છ કરોડ ગુજરાતી વતી કડક શબ્દોમાં આલોચના કરી છે. મુખ્યમંત્રીએ મલ્લિકાર્જુન ખડગેનાં નિવેદનને અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં જણાવ્યું કે, આ નિવેદન પૂ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું અપમાન છે. આવાં નિવેદનથી ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે. ખડગે ગુજરાતની માફી માગે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પડકારતાં કહ્યું કે, ગુજરાતીઓને તેઓ કઈ રીતે અભણ અને મૂર્ખ કહી શકે? જો ગુજરાત અભણ હોત તો આટલો વિકાસ થઈ શક્યો હોત ખરો? તેવો વેધક સવાલ પણ તેમણે કોંગ્રેસ પ્રમુખને કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતને કોંગ્રેસની તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સતત અન્યાયની સામે ઝિંક ઝિલીની રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસયાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલમોડલ બનાવ્યું. તેના પરિણામે ગુજરાતની જનતાએ મોદીમાં પ્રચંડ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સતત સ્પષ્ટ જાકારો આપ્યો છે. પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને ગુજરાતનું અપમાન કરતાં આવાં નિવેદનોનો બફાટ કરે છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નહીં પણ વર્ષો જૂની છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસના નેતાનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના ગુજરાત વિરોધી વલણની વિગતો આપતાં કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારતરત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ કોંગ્રેસે અડચણો ઊભી કરવાના પ્રયાસો કર્યા હતા. સરદાર સરોવર ડેમના કામમાં રોડા નાખવાનું કામ પણ કેન્દ્રની કોંગ્રેસની સરકારોએ કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતાં અટકાવ્યાં હતાં. આવા તો અનેક અન્યાયો કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ જેવા મહાપુરુષો, કનૈયાલાલ મુન્શી જેવા પ્રખર કાયદાવિદ, ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા સાહિત્યકારો, ડો. વિક્રમ સારાભાઈ જેવા મોટા ગજાના વૈજ્ઞાનિક, ત્રિભૂવનદાસ અમીન જેવા સહકારી અગ્રણી, ડો. એચ.એમ. પટેલ જેવા અર્થશાસ્ત્રી અને પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ જેવી વિરલ વ્યક્તિઓ દેશને આપ્યા છે. મુખ્યમંત્રીએ દેશના વિકાસમાં ગુજરાતના યોગદાન અંગે કહ્યું કે, ગુજરાત દેશના જી.ડી.પી.માં 8 ટકાથી વધુ યોગદાન આપે છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશમાં 17 ટકા તેમજ દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40 ટકા હિસ્સો ગુજરાતનો છે. દેશના ફાર્મા માર્કેટમાં ગુજરાતનું યોગદાન 30 ટકા અને નિકાસમાં 19 ટકા છે અને દેશની રિન્યૂએબલ એનર્જીમાં ગુજરાતનો 16.50 ટકા શેર છે. ગુજરાત આજે ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં લીડર સ્ટેટ છે. ગુજરાતમાં ગિફ્ટ સિટીના નિર્માણથી દેશનું ફિનટેક કેપિટલ બન્યું છે, ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાણંદ દેશનું ઓટો હબ બન્યું છે અને હવે સાણંદ-ધોલેરા સેમિકન્ડક્ટર હબ બનવાના છે.

Panchang

dd