ગાંધીધામ, તા. 6 : શહેરના
કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં એકીસાથે છ શ્રમિકના બંધ મકાનના તાળાં તોડી ધોળા દિવસે
તસ્કરોએ રૂા. 82,500નો હાથ માર્યો હતો. બીજીબાજુ વરસામેડીના
એક મકાનમાંથી રૂા. 36,000ની મતાની તફડંચી થઇ હતી. શહેરના કાર્ગો
પી.એસ.એલ. વિસ્તારમાં શેરી નંબર-3માં રહેનાર ફરિયાદી બિપિન જુગલ
પાસવાન અને તેની પત્ની આજે સવારે કાસેઝની કંપનીમાં મજૂરી અર્થે ગયા હતા ત્યારે
બપોરે તેમના ભાઇએ ફોન કરી તેના ઘરમાં ચોરી થવા અંગે જાણ કરી હતી. ફરિયાદી પરત
આવતાં તાળાં તૂટેલા હતા. તેમના ઘરમાંથી સોનાનું લોકેટ, રોકડ રૂા. 25,000, સોનાની
બુટી તસ્કરો લઇ ગયા હતા. બાદમાં પાસેના અન્ય મકાનમાં પણ ધોળા દિવસે તસ્કરોએ હાથ
માર્યો હોવાનું બહાર આવ્યું હતું. પાડોશમાં રહેતા આનંદીબેનના ઘરમાંથી બજરંગબલીની
મૂર્તિવાળું લોકેટ, રૂા. 7000, બેબીદેવીના મકાનમાંથી રોકડ રૂા. 5000 તથા
રામ હરિના ઘરમાંથી રોકડ રૂા. 5000 અને મહેશ પાસવાનને ત્યાંથી રોકડ
રૂા. 6500 એમ આ છ બંધ મકાનમાંથી તસ્કરોએ ધોળા દિવસે
કુલ રૂા. 82,500નો હાથ માર્યો હતો. એકબાજુ ચૂંટણીને
અનુલક્ષીને પોલીસ દ્વારા કોમ્બિંગ કરાય છે બીજીબાજુ ધોળા દિવસે શ્રમિકોના છ
મકાનમાંથી ચોરી થતાં ભારે આશ્ચર્ય સાથે ચકચાર પ્રસરી હતી. વધુ એક બનાવ વરસામેડીની
દિવ્યા-બે સોસાયટીના મકાન નંબર 27-11માં બન્યો હતો. શાકભાજી વેચતા
ફરિયાદી નરેશ મફા દેવીપૂજક ગત તા. 28/3ના પરિવાર સાથે રાધનપુર ગયો હતો.
દરમ્યાન, બીજા
દિવસે તેમના ભાઇએ ફોન કરી ચોરીના બનાવની જાણ કરી હતી. આ યુવાનના મકાનમાંથી તસ્કરોએ
રોકડ રૂા. 11,000 તથા હાથમાં પહેરવાનું ચાંદીનું કડું એમ
કુલ રૂા. 36,000ની મતા ઉસેડી લીધી હતી. અઠવાડિયા
પહેલાંનો બનાવ આજે પોલીસ ચોપડે ચડતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા.