નવી દિલ્હી, તા. 6 : કસ્ટોડિયલ
ડેથના એક ચર્ચાસ્પદ કેસમાં તમિલનાડુની મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો
આપ્યો છે. જેમાં વેપારી પિતા પુત્રના પોલીસ કસ્ટડીમાં મૃત્યુના કેસમાં દોષિત ઠરેલા
નવ પોલીસ કર્મચારીને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો છે. મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ
બેંચે ઘટનાને રેયરેસ્ટ ઓફ રેયર એટલે કે જઘન્ય અપરાધ માનીને સખત સજા આપી છે. આ
ચુકાદો કસ્ટોડિયલ ડેથના બનાવોમાં પીડિત પરિવાર માટે ન્યાયની દિશામાં મહત્વનું
પગલું માનવામાં આવે છે તેમજ પુરા દેશમાં પોલીસ હિરાસતમાં બનતી ઘટનાઓને સખત સંદેશ
પણ આપે છે. આ ચુકાદો છ વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રાયલ બાદ આપવામાં આવ્યો છે.
સુનાવણી ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જી મુથુકુમારનની અદાલતમાં થઈ
હતી. જેઓએ તમામ નવ આરોપીને હત્યા અને અન્ય સંબંધિત ધારાઓમાં દોષિત ઠેરવ્યા હતા.
અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ બનાવ અત્યાધિક ક્રૂરતા અને સત્તાના
દુરુપયોગનું ઉદાહરણ છે. જે પોલીસ કર્મચારીઓને મૃત્યુદંડની સજા મળી છે તેમાં
ઈન્સપેક્ટર એસ શ્રીધર, સબ ઈન્સપેક્ટર પી રઘુ ગણેશ અને કે બાલકૃષ્ણનના નામ સામેલ છે. આ ઉપરાંત હેડ
કોન્સ્ટેબલ એસ મુરુગન અને એ સમદુરઈ, કોન્સ્ટેબલ એમ મુથુરાજ,
એસ ચેલ્લાદુરઈ, એક્સ થોમસ ફ્રાન્સિસ અને એસ
વેલુમુથુના નામ છે. બનાવ તૂતીકોરિન જીલ્લાના સથાનકુલમનો છે. જયાં વેપારી પી જયરાજ
અને તેના પુત્ર જે બેન્નિક્સનું હિરાસતમાં મૃત્યુ થયું હતું. બન્નેને 19 જુન 2020મા
પોલીસે કોરોના લોકડાઉનના નિયમોના ઉલ્લંઘનના આરોપમાં હિરાસતમાં લીધા હતા. તપાસમાં
સામે આવ્યું હતું કે કસ્ટડી દરમિયાન બન્ને સાથે સતત અને બર્બર મારપીટ કરવામાં આવી
હતી, પુરી
રાત પ્રતાડિત કરવામાં આવ્યા હતા. જેનાથી બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. રિપોર્ટ
અનુસાર બ્લંટ ફોર્સ ટ્રોમા અને ભારે રક્તત્રાવ જેવી ઈજા થઈ હતી અને મૃત્યુનું કારણ
બની હતી. આ કેસની તપાસ દેશભરમાં આક્રોશ બાદ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ
તપાસમાં નોંધ્યું હતું એન અત્યાચાર પૂર્વનિયોજીત હતો અને પુરી રાત ચલાવવામાં આવ્યો
હતો. તપાસ એજન્સીએ દલીલ કરી હતી કે આરોપીઓએ જાણીજોઈને બનાવને અંજામ આપ્યો હતો. આ
માટે વધુમાં વધુ સજા મળવી જોઈએ.