• મંગળવાર, 07 એપ્રિલ, 2026

મુંબઈ સામે રાજસ્થાનની નજર વિજયની હેટ્રિક પર

ગુવાહાટી, તા. 6 : શાનદાર ફોર્મમાં ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સ શરૂઆતની બન્ને મેચમાં વિજય પતાકા લેહરાવી ચૂકી છે. હવે તેની નજર જીતની હેટ્રિક પર છે. આ માટે મજબૂત ટીમ મુંબઈ ઇન્ડિયન્સની બાધા પાર કરવી પડશે. જેને વર્તમાન સીઝનમાં 1 જીત અને 1 હાર મળી છે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ ટીમનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. અહીના બારસાપરા સ્ટેડિયમની પીચ બેટર્સ માટે ફેવરિટ રહે છે. આસામમાં મોટાભાગે ઓવરકાસ્ટ કન્ડિશન રહે છે. આથી ફાસ્ટ બોલર્સ પણ ફાયદામાં રહે છે. બન્ને ટીમ પાસે સારી બેટિંગ-બોલિંગ લાઇનઅપ છે. આથી મંગળવારે રમાનારો આ મુકાબલો રસપ્રદ બની રહે તેવી પૂરી સંભાવના છે. મુંબઈએ તેની બીજી મેચ દિલ્હીમાં રમી હતી અને ડીસી સામે હાર સહન કરી હતી. આ મેચમાં સૂર્યકુમારે એમઆઇની કપ્તાની સંભાળી હતી. હાર્દિક પંડયા નાદુરસ્ત હતો. તે હવે આરઆર સામેની મેચથી લગભગ વાપસી કરશે. કારણ કે તેણે ગુવાહાટી પહોંચીને જિમ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. આ મેચમાં પણ 1પ વર્ષીય સનસની વૈભવ સૂર્યવંશી પર નજર રહેશે. ભલભલા બોલર સામે ફટકાબાજી કરતા આ બેટધર પર મુંબઈના બોલર્સ અને ખાસ કરીને બુમરાહ કેવી લગામ કસે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

Panchang

dd