• રવિવાર, 22 માર્ચ, 2026

ટાઢા પડયા ટ્રમ્પ... ઈરાની તેલ ખરીદીની છૂટ

નવી દિલ્હી, તા. 21 : પશ્ચિમ એશિયાનાં `મહાયુદ્ધ'ની આગથી સર્જાયેલાં તેલસંકટ વચ્ચે નરમ પડેલા ટ્રમ્પ પ્રશાસને ઈરાનના તેલની ખરીદી પરથી પ્રતિબંધ હટાવી દેતાં 30 દિવસની છૂટ આપી દીધી છે. આ મહત્ત્વના ઘટનાક્રમ બાદ ભારત માટે રાહતની વાત એ છે કે, ઘરેલુ બજારમાં પેટ્રોલ, ડીઝલના ભાવ હાલતુરત વધશે નહીં. સાથોસાથ વૈશ્વિક બજારમાં 114 કરોડ બેરલ તેલનો પુરવઠો સમુદ્રીમાર્ગ મોકળો થતાં પહોંચી શકશે. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેંટે આ મોટી ઘોષણા કરતાં કહ્યું હતું કે, ઈરાની તેલ ખરીદી પર છૂટ 20 માર્ચથી 21 એપ્રિલ સુધી રહેશે. વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો વધારવા અને કિંમતોને કાબૂમાં રાખવા માટે આ પગલું લેવાયું છે. 28 ફેબ્રુઆરીનાં યુદ્ધ શરૂ થવા પહેલાં જે 70 ડોલરના ભાવે મળતું તે ક્રૂડતેલની કિંમત આજે યુદ્ધનાં કારણે 110 ડોલરેન પાર પહોંચી ગઈ છે.અમેરિકાએ આપેલી છૂટ માત્ર આજની તારીખે સમુદ્રમાં મોજૂદ છે, તેવાં ઈરાની તેલ ટેન્કરોની ખરીદી પૂરતી જ છે. અમેરિકી નાણામંત્રી બેસેંટે જણાવ્યું હતું કે, ઈરાની તેલ ખરીદીની છૂટથી દુનિયાભરમાં ઊર્જાની અછત ઘટશે અને પુરવઠા પર ઊભું થયેલું દબાણ ઘટી શકશે. ટ્રમ્પ પ્રશાસને નવું જનરલ લાયસન્સ જારી કરતાં એ તેલ ટેન્કરોમાંથી તેલ વેચવાની છૂટ આપી હતી, જે 12મી માર્ચ સુધી લોડ થઈ ચૂક્યા હતા. અમેરિકા - ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનાં કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઉછાળો આવી રહ્યો છે. તેલના ભાવો વધવાનું સૌથી મોટું કારણ હોર્મુઝની ખાડી બંધ થવાનું છે, જે લગભગ 157 કિલોમીટર લાંબો જળમાર્ગ છે. 

Panchang

dd