ભુજ, તા. 21 : માંડવી તાલુકાના દરશડી ગામના
આત્મહત્યા દૂષ્પ્રેરણના ગઢશીશા પોલીસ મથકમાં 2021માં દાખલ થયેલા કેસમાં આરોપી માતા-પુત્ર રાજેશ ઉર્ફે લાલો શામજીભાઈ
સોલંકી અને વિજયાબેન શામજીભાઈ સોલંકીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો જિલ્લા કોર્ટ દ્વારા
અપાયો હતો. દરશડી ગામે લગ્નજીવનના માત્ર ત્રણ જ મહિનાના સમયગાળામાં યુવાન પરિણીતાએ
દહેજ મામલે ત્રાસથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બાબતે મરનારના ભાઈ અનિલ રામસંગજી
રાઠોડ દ્વારા દૂષ્પ્રેરણ સહિતની કલમો તળે રાજેશ ઉર્ફે લાલો અને તેની માતા વિજયાબેન
સામે ફરિયાદ લખાવાઈ હતી. ગઢશીશા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા સહિતની કલમો તળે આ ગુનો
દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમ્યાન બનાવ માટે દહેજનો પ્રશ્ન ન હોવો, ત્રાસ હોવા વિશેના સીધા પુરાવા ન મળવા,
સાક્ષીઓના નિવેદન ઉપરાંત મરનારે માવિત્રે કરેલા ફોનના પુરાવા ન મળવા
સહિતના પાસાઓ ચકાસી દૂષ્પ્રેરણ અંગે કોઈ પ્રત્યક્ષ પુરાવા ન હોવાના તારણ સાથે બંને
આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરાયો હતો. આ કેસમાં આરોપીઓ તરફે વકીલ તરીકે
સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય, જિગરદાન એમ. ગઢવી, રોહિત એમ. મહેશ્વરી અને ભૂમિ પી. પંડયા
રહ્યા હતા. - ચેકના કેસમાં
છુટકારો : મૂળ રાધનપુરના અને હાલે માધાપર રહેતા ગણેશ
વાલાભાઈ ચૌધરી દ્વારા 10 લાખ રૂપિયાનો
ચેક બેન્કમાંથી પરત ફરવાના મામલે ભુજ કોર્ટમાં નેગોશિયેબલ ધારા તળે કરાયેલા કેસમાં
મહિલા આરોપી વંદનાબેન હિતેષભાઈ સિદ્ધપુરાને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. શંકા
ગમે તેટલી પ્રબળ હોય પણ તે પુરાવાનું સ્થાન લઈ શકે નહીં તેવા કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતને
ધ્યાને લઈને ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કે.એ. ડાભીએ આ ચુકાદો આપ્યો હતો. - આઈ.ટી. કેસમાં નિર્દોષ : ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં આઈ.ટી.
ધારા સહિતની કલમો તળે દાખલ થયેલા ફોજદારી કેસમાં આરોપી પ્રશાંત સુખડિયાને નિર્દોષ ઠેરવતો
ચુકાદો અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટે આપ્યો હતો. આ બંને કેસમાં આરોપીઓના વકીલ
તરીકે દેવાયત એન. બારોટ અને ખીમરાજ એન. ગઢવી સાથે ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી,
જયેશ કટુઆ અને અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા.-મનાઈહુકમ અરજી નામંજૂર : ભુજ તાલુકાના ઢોરી ગામના સર્વે નંબર 157/1વાળી જમીન અન્વયેના મામલામાં
હાજી જુમ્મા સમેજા વગેરે દ્વારા સામાવાળા ઉમર
ઈસ્માઈલ સમેજા વગેરે વિરુદ્ધ કલેક્ટરના હુકમ સામે મહેસૂલ સચિવની કોર્ટમાં મનાઈહુકમની
અરજી કરાઈ હતી. જેને નામંજૂર કરતો હુકમ કરાયો હતો. આ કેસમાં ઉમર ઈસ્માઈલ વગેરેના વકીલ
તરીકે ગોપાલ કે. ગઢવી રહ્યા હતા. - ભુજોડી પાસેના બનાવમાં સમાધાન : ભુજોડી પાસે
સર્વિસ રોડ પર ગત 17મી ઓક્ટોબરના
પૂર્વ ફાયર અધિકારી અનિલભાઈ બેચરભાઈ મારુ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે માથાકૂટ થઈ હતી
જે બાદ સામસામે છેડતી અને હત્યાના પ્રયાસ સહિતના ગુના દાખલ થયા હતા. બંને પક્ષ જામીન
પર છૂટયા બાદ સમાજના આગેવાનો આગળ આવી અને બંને પરિવાર વચ્ચે સુલેહ કરાવવા માટેના પ્રયાસો
કર્યા હતા. સામાજિક આગેવાનોની મધ્યસ્થી બાદ સમાધાન કરી બંને પક્ષે એફઆઈઆર રદ કરાવવા
અરજી કરતાં હાઈકોર્ટે એફઆઈઆર રદ કરી છે. સમાધાનમાં મેઘવંશી મારૂ સમાજ ઉગમણ-પરગણાના
પ્રમુખ શિવજીભાઈ મંગરિયા, માકપટ મારૂ
સમાજના પૂર્વ પ્રમુખ ખેંગારભાઈ નંજાર, ગરવા સમાજના આગેવાન શાંતિલાલ
ગરવા સહિતનાઓએ ભૂમિકા ભજવી હોવાનું વકીલ વી.જી. ચૌધરીની યાદીમાં જણાવ્યું છે.