• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

સુરક્ષિત રહેશે અરવલ્લી; નવા ખનન પર રોક

નવી દિલ્હી, તા. 24 : અરવલ્લી પર્વતમાળા વિસ્તાર અંગે સર્વોચ્ચ અદાલતનાં ફેંસલા પછી ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં ઉઠેલા વિરોધ અને વિવાદનાં વાવાઝોડાં વચ્ચે આજે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કરતાં રાજ્યોને આદેશ કર્યો છે કે, અરવલ્લીનાં સમગ્ર ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનાં નવા માઈનિંગ(ખનન) માટે લાયસન્સ કે લીઝ આપવામાં આવે નહીં. હવે ત્યાં કોઈ ખનન નહીં થાય. આ પ્રતિબંધ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી રેન્જમાં સમાન ધોરણે લાગુ થશે. તેનાથી ગેરકાયદે ખનન ઉપર લગામ લાગશે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ પહાડોમાં થતાં ગેરકાયદેસર અને અનિયમિત ખનનને સંપૂર્ણપણે રોકવાનો છે. સરકારે કહ્યું છે કે, સંરક્ષિત ક્ષેત્રનો પણ વિસ્તાર કરવામાં આવશે. સરકારે આગળ કહ્યું હતું કે, અરવલ્લીની રક્ષા સાથે કોઈ જ બાંધછોડ કરાશે નહીં. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે 100 મીટરથી ઉંચા પર્વતોને જ અરવલ્લીના પહાડોની વ્યાખ્યામાં ગણવા માટે ભલામણ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે સ્વીકારી હતી. અને તેને લીધે દેશભરમાં નારાજી ફેલાઈ હતી અને સરકાર સામે સવાલ સર્જાયા હતા. સરકારે એવું પણ કહ્યું છે કે, અત્યાર સુધી આપવામાં આવેલા ખનનનાં ઈજારાઓ માટેનાં નિયમોને વધુ કડક બનાવવામાં આવશે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે આ માટે રાજ્યોને માર્ગદર્શિકા (નિર્દેશો) જારી કરી છે. આ ઉપરાંત પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઈસીએફઆરઈ)ને પણ આદેશ આપ્યો છે કે, તે સમગ્ર અરવલ્લી વિસ્તારમાં એવા વધુ વિસ્તારો અથવા ઝોનની ઓળખ કરે, જ્યાં ખનન પર પ્રતિબંધ મૂકી શકાય. આ વિસ્તારો કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ પ્રતિબંધિત ખનન વિસ્તારો સિવાયના હશે અને તેમની ઓળખ પર્યાવરણીય, ભૂગર્ભીય (જિયોલોજિકલ) અને લેન્ડસ્કેપ-? સ્તરની આધારે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આઈસીએફઆરઈને અરવલ્લી વિસ્તારમાં ટકાઉ ખનન માટે એક વૈજ્ઞાનિક યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ યોજના આંકલન કરશે કે ખનનથી કુદરત પર કેટલી નકારાત્મક અસર થઈ રહી છે અને અરવલ્લી વિસ્તાર કેટલો ભાર સહન કરી શકે છે. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવશે જેથી તેમને ખનનથી બચાવીને સુરક્ષિત રાખી શકાય. જ્યાં ખનન થઈ ચૂક્યું છે, તે વિસ્તારોનું પુન:સુધારણ કરવા અને હરિયાળી પાછી લાવવાના પગલાં લેવામાં આવશે. આ યોજનાને જાહેર જનતા અને નિષ્ણાતોની સૂચનાઓ માટે પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવશે. આ પગલાથી સમગ્ર અરવલ્લી વિસ્તારમાં ખનન પર નિયંત્રણ વધુ મજબૂત બનશે અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિબંધિત વિસ્તાર વધશે. કેન્દ્ર સરકારે આ પણ સૂચના આપી છે કે, પહેલેથી ચાલતી ખાણો માટે સંબંધિત રાજ્ય સરકારો તમામ પર્યાવરણીય સુરક્ષા પગલાંઓનું કડક પાલન સુનિશ્ચિત કરશે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કામગીરી કરશે.

Panchang

dd