• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ઉગેડીના ગ્રામજનો ગૌચર મુદ્દે લડી લેવાના મૂડમાં

નખત્રાણા, તા. 24 : તાલુકાના ઉગેડી ગામે ખાનગી કંપનીને ગૌચર જમીન પર બ્લેક ટ્રેપની લીઝની તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવતાં ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. ગ્રામસભામાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ શ્રી ક્રસ્ટ માઈનકેમ પ્રા. લિ.ને ફાળવવામાં આવેલ ગૌચર જમીનની લીઝ રદ કરવાની માંગ કરી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરી આમરણાંત ઉપવાસ પર ઊતરવાની ચીમકી આપી હતી.  સરપંચ કરણભાઈ રબારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભામાં ઉગેડી ગામ ગૌચર જમીન નવા સર્વે નં. 303માં આવેલી આ જમીન ખાનગી કંપની  દ્વારા 10 હેકટર જમીનની માગણી કરવામાં આવી હતી. જેમાં નખત્રાણા મામલતદારના અભિપ્રાય અને કાગળોમાં સર્વે નં. 161/1 દર્શાવી છેતરપિંડી આચરવામાં આવી છે. વાસ્તવમાં સદરહુ જમીન જ્યાં મંજૂર કરવામાં આવી છે તે જમીન સ.નં. 303ની અંદર આવે છે. 2023થી કંપની સામે ગ્રામજનોનો વિરોધ ચાલતો આવ્યો છે. ગૌચર જમીનની બરબાદી અને ગામની વસ્તીના આરોગ્યને પણ હાનિકારક બ્લેક ટ્રેપની કામગીરીથી પારાવાર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા આવી રીતે ગૌચર જમીન સ્થાપિત હિતોને ફાળવવામાં આવશે તો પશુપાલકોના પશુધનના નિભાવ માટે શું થશે ? એવી ચિંતા પણ વ્યક્ત કરાઈ હતી. મુખ્યમંત્રી, ના. મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, ડી.આઈ.એલ.આર. સહિતને રજૂઆત કરી હતી.

Panchang

dd