• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ચાંદીનો સુવર્ણકાળ ને સોનામાં પણ ચાંદી

નવી દિલ્હી, તા. 24 : સોના અને ચાંદીએ ફરી એક વખત ઈતિહાસ રચી દીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલી વખત 4500 ડોલર (અંદાજિત 4,03,847 રૂપિયા) પ્રતિ 28.34 ગ્રામ (ઔંસ)ને પાર ગયું છે. ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો કિંમત 1,42,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. સ્પોટ ગોલ્ડ અંદાજિત 0.11 ટકાની તેજી સાથે 4,510.60 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું છે જ્યારે રેકોર્ડ સ્તર 4,555 ડોલર છે. ચાંદીમાં 9750ના મોટા ઉછાળાએ એક કિલોનો ભાવ 2,27,000ના વિક્રમી સ્તરે પહોંચ્યો છે. વેનેઝુએલા મુદ્દે વધતો ભૂ-રાજનીતિક તણાવ અને અમેરિકી વ્યાજદરોમાં કાપની આશા, અમેરિકા દ્વારા કેરેબિયન ક્ષેત્રમાં સૈન્ય ગતિવિધિ સહિતની બાબતોએ રોકાણકારોને સુરક્ષિત રોકાણ એટલે કે સોના તરફ વાળ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર બુધવારે બપોરે 2.15 વાગ્યા સુધી પાંચ ફેબ્રુઆરીની એક્સપાયરીના ગોલ્ડમાં 0.39 ટકાની તેજી જોવા મળી હતી અને એક દિવસ અગાઉના મુકાબલે 532 રૂપિયા મેંઘું થયું હતું. બપોરે સોનું 1,38,414 રૂપિયાએ ટ્રેડ કરી રહ્યું હતું. આ દરમિયાન 1,38,676 રૂપિયાના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યું હતું અને 1,38,085 રૂપિયાના નીચલા સ્તરે રહ્યું હતું.  ચાંદી પણ ઓલ ટાઇમ હાઇ સ્તરે પહોંચી હતી. ચાંદીમાં 1.42 ટકાની તેજી જોવા મળી હતી અને કિંમત 3110 રૂપિયા વધીને 2,22,763 રૂપિયા પ્રતિકિલોગ્રામ થઈ હતી. ઓલ ઈન્ડિયા શરાફ એસોસીએશનના જણાવ્યા અનુસાર બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીના ભાવ રૂા. 9750 વધી રૂા. 2,27,000 પ્રતિકિલોની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. આ વધારો ત્યારે થયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ 72 ડોલર પ્રતિ ઔંશને પાર કરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સોનાની કિંમત ચાલુ વર્ષે 70 ટકા કરતા વધારે વધી છે જ્યારે ચાંદીમાં 150 ટકાની જોરદાર તેજી આવી છે. બન્ને ધાતુ વર્ષ 1979 બાદના સર્વશ્રેષ્ઠ વાર્ષિક પ્રદર્શન તરફ આગળ વધી રહી છે.

Panchang

dd