ભુજ, તા. 24 : કચ્છ
જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની 100મી
જન્મજયંતી અને વીર બાળ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. વીર બાળ
દિવસે કચ્છમાં વિશેષ સ્મૃતિયાત્રા નીકળવાનું આયોજન ઘડી કઢાયું છે. માધાપરમાં
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા અને અટલ
વનનું લોકાર્પણ કરાશે. ઉમેદ ભુવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સાંસદ વિનોદભાઈ
ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું કે,
શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહના પુત્રોએ
ધર્મ સત્ય અને સંસ્કૃતિની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું. તેમની શહાદતને યાદ કરવા
હેતુ ઊજવાતા આ દિવસે લખપતના ગુરુદ્વારાથી સ્મૃતિયાત્રાનો પ્રારંભ થશે, જે જિલ્લાના અલગ-અલગ
વિસ્તારોમાંથી નીકળી કાર્યક્રમો યોજશે. આ યાત્રાનું સમાપન આદિપુરના ગુરુદ્વારા
ખાતે કરાશે. ઉજવણી અંતર્ગત આયોજિત વિવિધ સ્પર્ધાના 1000 જેટલા
વિજેતા છાત્રને પુરસ્કૃત કરાશે. જિલ્લાના 12 ગુરુદ્વારામાં
કીર્તન, લંગર
સહિતના આયોજનો કરાશે. સાંસદે વધુમાં ઉમેર્યું કે, અટલ બિહારી
વાજપેયીની 100મી જન્મજયંતીના ઉપલક્ષમાં ભુજ ખાતે રાષ્ટ્રીય કક્ષાના અને
સ્થાનિકના કવિઓની ઉપસ્થિતિમાં હમીરસર ઓટલા પાસે કવિ સંમેલન, 100 જેટલા ટીબીના દર્દીને કિટ વિતરણ
સહિતના કાર્યક્રમ યોજાશે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કહ્યું કે, શ્રી વાજપેયીની
જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઊજવાય છે. જે અંતર્ગત પ્રતિમા પાસે દીપોત્સવ, પુષ્પાંજલિ, જીવન-કવનને આવરી લેતી પ્રદર્શની સહિતના
કાર્યક્રમ યોજાશે. તમામ બૂથ મંડળ સ્તરે આ આયોજન કરવામાં આવશે. કચ્છ જિલ્લા ભાજપ
અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ મંત્રી
પ્રફુલ્લસિંહ જાડેજા, વિશાલ ઠક્કર હાજર રહ્યા હતા. મીડિયા
ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી સહ ઈન્ચાર્જ ચેતન કતીરા, અનવર
નોડે, સંજય મહેશ્વરીએ વ્યવસ્થા સંભાળી હતી.
સાંસદ ખેલ મહોત્સવનું સમાપન
ગુરુવારે સાંસદ ખેલ મહોત્સવનું
સમાપન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. સાંસદ ખેલ મહોત્સવ
અંતર્ગત કચ્છમાં 31 અલગ-અલગ રમતોમાં પ000 લોકોએ ભાગ લીધો હતો.