• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

નાયબ મામલતદાર મોરીની ધરપકડ

અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવાના સુરેન્દ્રનગરના રૂા. 1500 કરોડના કાંડમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ નાયબ મામલતદાર ચંદ્રાસિંહ મોરીની ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, 23 ડિસેમ્બરે દિલ્હી ખાતેની ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રાસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો, દસ્તાવેજો તેમજ મોબાઈલમાં આ અંગેના ડેટા મળી આવ્યા છે, જે કબજે લઈને ધરપકડ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે સ્પેશિયલ ઈડીની કોર્ટના જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક, અંગત સચિવ સામે લાંચ રૂશ્વત વિરોધની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સાથે કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરાઈ છે અને તેમને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ હવાલો સોંપવામાં આવશે નહીં. સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલને હાલ વેઈટિંગ ઈન પોસ્ટિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તેમજ હાલમાં સુરેન્દ્રનગરના કલેક્ટરનો હવાલો ડીડીઓને સોંપવામાં આવ્યો છે. `વહીવટ' કરવાનો હોય તે ફાઇલ ઘરે લઇ જવાતી ! દરોડા દરમિયાન તપાસમાં સામે આવ્યું હતુ કે, જિલ્લા કલેક્ટર દ્વારા જે ફાઇલોનો  વહીવટ કરવાનો હોય તેને તે ઘરે લઇ જતા હતા, આવી 100 જેટલી ફાઇલો તેમના બંગલામાંથી મળી આવી હતી. આને કારણે જિલ્લા કલેક્ટર પણ શંકાના દાયરામાં છે. મોટાં માથાંઓની સંડોવણી ઇડીની તપાસમાં ખુલાસો થયો છે કે, વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન એનએ કરાવામાં આવતી હતી. જમીન એનએ કરાવવામાં સુરેન્દ્રનગર કલેકટર ઓફિસના કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને એનએ કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. ઇડીએ વિશેષ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, દિલ્હી પોલીસમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ હતી, જેને લઇને આ આખો કાંડ પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રાસિંહ મોરી પાસે જમીન એનએની સત્તા હતી અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ કામ સ્પીડ મનીનાં માધ્યમથી તાત્કાલિક કરવામાં આવતું હતું. અરજીને આધારે ચોરસમીટરદીઠ ભાવ નક્કી કરવામાં આવતા હતા તેમજ આ રકમ વચેટિયાઓ મારફતે અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. આ સાથે ઇડીએ મયૂરાસિંહ ગોહિલ (એનએ શાખાના ક્લાર્ક), જયરાજાસિંહ જાડેજા -કલેક્ટરના પીએ (લખતર સ્થિત નિવાસસ્થાન) અને ડી. ચેતન કણઝરિયા પર  પણ એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતની, સગાસંબંધીની તપાસ, કોના નામે કેટલી મિલકત છે તેની પણ તપાસ કરાશે, ત્યારે આગામી સમયમાં મોટાં માથાંઓની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા સેવાય છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે પોણા અગિયાર વાગ્યે અટકાયત કરવામાં આવી અને સવારે 11 વાગ્યે તેને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. રિમાન્ડના મુદ્દામાં 67 લાખની રકમ ક્યાંથી આવી છે. આરોપી પાસેથી અમુક વ્યક્તિનાં નામ મળ્યાં છે તે અંગે તપાસ કરવાની હોવાનું જણાવવામાં આવ્યું છે.

Panchang

dd