• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં 140થી વધુ દબાણકારોને નોટિસ અપાઇ

ગાંધીધામ, તા. 24  : ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા બુધવારે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં પાણીની લાઈન તેમજ માર્ગો ઉપર થયેલા 140 થી વધુ અતિક્રમણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે અને જો સમય મર્યાદા ની અંદર દબાણો દૂર નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવનાઓ છે મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ઓસ્લો સર્કલ થી રેડક્રોસ સુધી આઇકોનિક માર્ગને નડતરરૂપ 43 દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ રાજવી ફાટકથી ભવાની નગર ફાટક સુધી 70 દબાણો હટાવ્યા બાદ અહીં પાણીની લાઈન ઉપર હજુ પણ વ્યાપક દબાણો હોવાથી વહીવટી તંત્ર દ્વારા ભવાનીનગર ફાટકથી લઈને રામદેવપીર મંદિર અને ત્યાંથી આગળ સુધી 100 દબાણ કારોને નોટિસ આપવામાં આવી છે. અહીં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની મુખ્ય એક્સપ્રેસ લાઈનમાં લીકેજ છે જે લાઈન ભારત નગર થઈ સુંદરપુરી પાણીના ટાંકા સુધી આવે છે.લીકેજના કારણે વ્યાપક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તેને રોકવા અને માર્ગની મરામત કરવા માટે નડતર રૂપ દબાણો દૂર કરવા કાર્યવાહી થઈ રહી છે અહીં જે જગ્યા ઉપર થી દબાણો હટી ગયા છે ત્યાંથી મલબો દૂર કરીને લાઈનની મરામત કરવામાં આવે તે જરૂરી છે. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં જોડિયા શહેરોમાં 1100થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણ હટાવ ઝુંબેશ ચાલુ જ છે જોડિયા શહેરોને દબાણ મુક્ત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સ્થળ ઉપરથી અને વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યાં વિકાસના કામો ઝડપથી કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

Panchang

dd