આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 15 : સંસદના શિયાળુ અધિવેશનના 11ર્મો દિવસે રાજ્યસભા અને લોકસભામાં શાસક-વિપક્ષ વચ્ચે પ્રદૂષણના મુદે ચર્ચા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અભદ્ર ભાષા પ્રયોગના મુદે જોરદાર હોબાળો જોવા મળ્યો હતો. સંસદના બંને ગૃહની કાર્યવાહી સામસામા દેકારા અને વારંવાર સ્થગનના કારણે સતત વિક્ષેપિત રહી હતી. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ બંને ગૃહમાં કૉંગ્રેસની રવિવારે આયોજિત રેલીમાં વડા પ્રધાન મોદી વિરૂદ્ધ અભદ્ર ભાષામાં સૂત્રોચ્ચારના મુદે માફીની માગણી કરી હતી અને બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી. પહેલા સ્થગન બાદ 12 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે પ્રદૂષણના મુદે ચર્ચાની માગ સાથે નારેબાજી શરૂ કરતા આક્ષેપ કર્યો હતો કે શાસકો જ નથી ઇચ્છતા કે ગૃહની કામગીરી ચાલે. આની સામે શાસક એનડીએના સાંસદોએ રવિવારે કૉંગ્રેસની રેલીમાં વડા પ્રધાન મોદી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીઓ અને નારેબાજીનો મુદો જોરશોરથી ઉઠાવ્યો હતો. બંને ગૃહમાં સ્પીકરની ચેર પરથી સાંસદોને સાંતિ રાખવા અને ગૃહની કામગીરી શરૂ કરવાની અપીલ કરાઇ હતી પરંતુ શોરબકોર અને દેકારો ચાલુ રહેતા ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી. લોકસભાની કાર્યવાહી સવારે શરૂ થતાં જ સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ દિલ્હીમાં રવિવારે કૉંગ્રેસની રેલીમાં વડા પ્રધાન વિરૂદ્ધ થયેલી અભદ્ર ટિપ્પણીઓ અને નારેબાજી સામે વાંધો ઉઠાવીને કૉંગ્રેસ પાર્ટી માફી માગે એવી માગ કરી હતી. રિજિજુએ કહ્યું હતું કે જાહેર સભાઓમાં અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ અને નારેબાજી લોકશાહીમાં સ્વિકાર્ય નથી. કૉંગ્રેસની રેલીમાં આવી હરકતો નિંદનીય અને શરમજનક છે. બંને તરફથી હોબાળો અને નારેબાજી ચાલુ રહેતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બાર વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી હતી. રાજ્યસભામાં પણ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભા જેવા જ દ્રશ્યો સર્જાયા હતા. ગૃહના નેતા જેપી નડ્ડાએ કૉંગ્રેસની રેલીમાં થયેલા વરવા સૂત્રોચ્ચાર બદલ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની માફીની માગણી કરી હતી. નડ્ડાએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી માટે આવી કનિષ્ઠ ભાષા કૉંગ્રેસ પાર્ટીના વિચારો અને માનસિકતા દર્શાવે છે. બંને તરફથી હોબાળાના પગલે ચેરપરસને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. અણુઊર્જા એનર્જી ક્ષેત્રે શાંતિ ખરડાને કેબિનેટની મંજૂરી છ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં શાંતિ (સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ અૉફ ન્યૂક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા)નામના એટોમિક એનર્જી બિલ, 2025ને મંજૂરી મળી હતી. આ કાનૂન ભારતમાં એટોમિક એનર્જી સેક્ટરની શરૂઆત બાદનો સૌથી મોટો સુધારો છે. આ નવા કાનૂનથી એટોમિક એનર્જીના ક્ષેત્રે એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટના દશકો જૂના એકાધિકારને સમાપ્ત કરીને આ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીના રસ્તા ખોલશે. વિમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણ માટે બિલ તૈયાર : સરકાર 2047 સુધીમાં દેશના પ્રત્યેક નાગરિકને વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવા વીમા ક્ષેત્રે સિધા વિદેશી રોકાણને સો ટકા કરવા સંબંધી વિધેયક આ અઠવાડિયામાં જ લાવવા માગે છે. સંસદમાં આ વિધેયક મુકાય એ પહેલા સાંસદોને આ વિધેયકની કૉપી આપવામાં આવી હતી એ મુજબ સબ કા બીમા સબ કી રક્ષા (વીમા કાનૂનમાં સંશોધન) અધિનિયમ 2025, વીમા અધિનિયમ 1938, જીવન વીમા અદિનિયમ 1999માં સંશોધન કરવા સંબંધી છે. વીમા ક્ષેત્રે હાલના સિધા વિદેશી રોકાણની મર્યાદા 74 ટકા છે એને સો ટકા કરવા માગે છે.