• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

પાક-અફઘાન વચ્ચે લોહિયાળ ઘર્ષણ

કાબુલ, તા. 6 : શાંતિમંત્રણાના 48 કલાકમાં જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર અથડામણ ફાટી નીકળી છે. અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડકમાં અફઘાન અને પાકિસ્તાની દળો વચ્ચે ભારે ગોળીબારમાં ચાર અફઘાન નાગરિકના મોત થયા હતા, તો અન્ય ચાર ઘાયલ થયા હતા. સ્થાનિક સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાને ગ્રેનેડ અને મોર્ટાર હુમલા શરૂ કર્યા છે જેના કારણે ઘણા નાગરિકોને તેમના ઘર છોડવા પડયા છે. સરહદની બન્ને બાજુ ગભરાટનું વાતાવરણ છે અને ગોળીબાર સતત ચાલુ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદ ફરી એકવાર ગોળીબારના અવાજથી હચમચી છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લામાં બંને દેશોની સેનાઓ અથડામણમાં આવી અને હળવા અને ભારે હથિયારોનો ઉપયોગ થયો છે. સ્થાનિક સૂત્રોએ અફઘાન મીડિયાને જણાવ્યું છે કે અથડામણ એટલી તીવ્ર છે કે ડયુરન્ડ લાઇનની બન્ને બાજુના રહેવાસીઓને સલામતી માટે તેમના ઘર છોડવાની ફરજ પડી છે. અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ પુષ્ટિ આપી છે કે આ સંઘર્ષ પાકિસ્તાનથી શરૂ થયો હતો. તેમના મતે અફઘાન દળો યુદ્ધવિરામનું પાલન કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સૈનિકોએ અચાનક ગ્રેનેડ ફેંક્યા. જ્યારે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો ત્યારે અફઘાન સૈનિકોએ વળતો જવાબ આપ્યો. બન્ને બાજુથી ગોળીઓ અને રોકેટ સહિતના ભારે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાકિસ્તાની દળોએ અનેક રાઉન્ડ મોર્ટાર છોડયા, જે સીધા નાગરિક વિસ્તારોમાં પડયા. ઘણા ઘરોને નુકસાન થયું છે અને લોકો ગભરાટમાં છે. તાલિબાન સરકારે પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાનું ઠીકરું અફઘાનિસ્તાન પર ફોડી રહ્યું છે. ગોળીબાર થયા પછી આખી સીમા સીલ કરી દેવાઇ હતી.

Panchang

dd