• રવિવાર, 16 જૂન, 2024

સરકાર નવી, મંત્રીઓને જવાબદારી જૂની

નવી દિલ્હી, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના શપથગ્રહણ સમારોહના 4 કલાક બાદ વિવિધ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે અને ધાર્યા મુજબ નાણાં, ગૃહ, સંરક્ષણ, વિદેશ, સ્વાસ્થ્ય, માર્ગ પરિવહન, ઉડ્ડયન સહિત મહત્ત્વના તમામ મંત્રાલયો ભાજપે પોતાની પાસે રાખ્યા છે. સોમવારે સાંજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અમિત શાહને ફરી એકવાર ગૃહ અને સહકારિતા, રાજનાથસિંહને સંરક્ષણ, નિર્મલા સીતારામનને નાણાં અને એસ. જયશંકરને વિદેશ મંત્રાલય સોંપી રિપીટ કરાયા છે. કેબિનેટમાં એન્ટ્રી કરનારા સી.આર. પાટિલને જળશક્તિ, જે.પી. નડ્ડાને સ્વાસ્થ્ય તથા મનસુખ માંડવિયાને શ્રમ રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. નીતિન ગડકરીને ફરી એકવાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી બનાવવામાં આવ્યા છે અને અજય ટમ્ટા  અને હર્ષ મલ્હોત્રા તેમાં રાજ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળશે. અશ્વિની વૈષ્ણવને રેલવે સાથે માહિતી પ્રસારણ-આઈટી, ઈલેક્ટ્રિક મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી બન્યા છે. જિતેન્દ્રસિંહ પીએમઓમાં રાજ્યમંત્રી તરીકે રહેશે. અર્જુનરામ મેઘવાલ કાયદા અને ન્યાય રાજ્ય-સ્વતંત્ર પ્રભાર સાથે સંસદીય કાર્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવાયા છે. શિવરાજસિંહ ચૌહાણને કૃષિ-ગ્રામીણ વિકાસ, ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ, મનોહરલાલ ખટ્ટરને ઊર્જા સાથે શહેરી વિકાસ તથા જ્યોતિરાદિત્ય સિંધિયાને દૂરસંચાર મંત્રાલય સાથે ઉત્તર-પૂર્વના વિકાસનો કાર્યભાર અપાયો છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ બાબતના મંત્રી બનાવાયા છે. રામમોહન નાયડુને નાગરિક ઉડ્ડયનમંત્રી બનાવાયા છે. સૌથી વયોવૃદ્ધ કેબિનેટ મંત્રી જીતનરામ માંઝી એમએસએમઈ મંત્રાલય સંભાળશે, જેમાં શોભા કરંદલાજે રાજ્યમંત્રી રહેશે. પેટ્રોલિયમ-પ્રાકૃતિક ગેસ વિભાગની જવાબદારી ફરી એકવાર હરદીપ પુરીને સોંપવામાં આવી છે. પંજાબના રવનીતસિંહ બિટ્ટૂને અલ્પસંખ્યક બાબતોના વિભાગમાં રાજ્યમંત્રી નિયુક્ત કરાયા છે. પીયૂષ ગોયલ ફરી એકવાર વેપાર-વાણિજ્ય મંત્રાલય સંભાળશે. ગિરીરાજસિંહને કપડાં મંત્રાલય અને અન્નાપૂર્ણાદેવીને મહિલા- બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી રહેશે. બંદરો-જહાજો-જળમાર્ગનું મંત્રાલય સર્બાનંદ સોનોવાલને, લલ્લનસિંહને પંચાયતી રાજ્ય-પશુપાલન-ડેરી, વીરેન્દ્ર કુમારને સામાજિક ન્યાય-આધિકારિતા, પ્રહલાદ જોશીને ગ્રાહકો બાબત-ખાદ્ય-જાહેર વિતરણ-નવીન નવીકરણીય ઊર્જા, જુએલ ઓરાંવને જનજાતીય, ગજેન્દ્રસિંહ શેખાવતને સંસ્કૃતિ-પર્યટન, સુરેશ ગોપીને તેમાં રાજ્યમંત્રી તરીકે, કિરન રિજ્જુને સંસદીય કાર્ય-લઘુમતિ બાબત, જી. કિશન રેડ્ડીને કોલસો-ખાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આઠવલે સામાજિક ન્યાય રાજ્યમંત્રી, જયંત ચૌધરી કૌશલ વિકાસ-ઉદ્યમિતાના રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર સાથે શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બન્યા છે. જાધવ પ્રતાપરાવ આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી બન્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang