ગાંધીધામ, તા. 20 : ભચાઉ તાલુકાના નંદગામમાં આવેલા
બે મંદિરોનાં તાળાં તોડી નિશાચરોએ દાનપેટી તોડી તેમાંથી રોકડ રૂા. 19,000ની તસ્કરી કરી હતી. ધાર્મિક
સ્થાનોમાં ચોરીના આ બનાવથી શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી પ્રસરી છે. નંદગામમાં આવેલા શ્રીશેષ
માતા અને મોમાઈ માતાનાં મંદિરમાં તસ્કરોએ હાથ માર્યો હતો. ગામમાં રહેનાર ફરિયાદી હિતેશ
રાણા રબારી નામનો યુવાન આજે ગાડીમાં પાણીની બોટલો ભરીને વરસાણા ચોકડીએ ઊભો હતો. ત્યારે
ગામના આસાભાઈ રબારીએ ફોન કરી આપણા મંદિરની દાનપેટીનું તાળું તૂટયું હોવાની વાત કરી
હતી જેથી ફરિયાદી ત્યાં જતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. નિશાચરો ગત રાત્રિ દરમ્યાન
શ્રીશેષ માતાના મંદિરનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને તેમાં રખાયેલી દાનપેટીનાં
તાળાં તોડી તેમાંથી રોકડ રૂા. 18,000 રકમ
ઉઠાવી લીધી હતી. આટલાથી સંતોષ ન થતાં તસ્કરો મોમાઈ માતાનાં મંદિરે ગયા હતા. આ મંદિરનાં
તાળાં તોડી દાનપેટીનાં તાળાં તોડી તેમાંથી રોકડ રૂા. 1000ની તફડંચી કરી હતી. આ બે મંદિરોમાં
ચોરીના બનાવને પગેલે ભારે ચકચાર પ્રસરી છે. બીજીબાજુ પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ વધુ
કડક બનાવવાની માંગ ઊઠી છે.