ગાંધીધામ, તા. 17 : અંજારમાં ગંગાનાકા નજીક બી.એમ.
પેટ્રોલ પંપ પાસે મુસ્તાક મંસૂરી નામના યુવાનની હત્યા પ્રકરણમાં પોલીસે દોડધામ આદરી
બે શખ્સને દબોચી લીધા હતા. આ પ્રકરણમાં હત્યા પછવાડે આડા સંબંધ હોવાનું બહાર આવ્યું
હતું. અંજારના હેમલાઇ ફળિયામાં રહેનાર મુસ્તાક નામનો યુવાન ગઇકાલે સાંજે ગંગાનાકા નજીક
બી.એમ. પેટ્રોલપંપની સામે દુકાને ચા પીવા મિત્રો સાથે બેઠો હતો, ત્યારે કોઇનો ફોન આવતાં તે ઊભો થઇને પંપ બાજુ
ગયો હતો. દરમ્યાન બાઇક પર આવેલા શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે તેને
ઘા ઝીંકી તેનું ઢીમ ઢાળીને નાસી ગયા હતા. ચૂંટણી
વચ્ચે હત્યાના બનાવથી પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. પોલીસે સીસીટીવી વગેરેની
તપાસ હાથ ધરી મહેશ લખુ કેરાસિયા (રહે. લલિયાણા) તથા શબ્બીર અબ્દુલકરીમ બાયડ (મેઘપર
બોરીચી)ને પકડી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અસ્લમ ઉર્ફે
અબો મામદ સમા (રહે. સુવઇ)ની પત્ની સાથે મુસ્તાકના સંબંધ હતા, જેના પગલે આ આરોપી અસ્લમ અને તેની પત્નીના છૂટાછેડા થયા હતા અને આરોપી અસ્લમ
તથા મુસ્તાક વચ્ચે આ મુદ્દે માથાકૂટ ચાલતી હતી. ગઇકાલે મુસ્તાક પેટ્રોલપંપ સામે મિત્રો
સાથે બેઠો હતો, ત્યારે ત્યાં શબ્બીર પણ રિક્ષા લઇને હાજર હતો.
મૃતકને ફોન આવતાં તે પંપ બાજુ ગયો હતો, જ્યાં મહેશ અને અસ્લમ બાઇકથી આવ્યા હતા અને પાછળ બેઠેલા
અસ્લમે યુવાન ઉપર છરીના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી બંને ત્યાંથી નાસી ગયા હતા. બે
શખ્સોને પોલીસે પકડી પાડી રિમાન્ડ સહિતની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા તેમજ મુખ્ય
આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.