ભુજ, તા. 16 : તાલુકાના લોડાઇ ગામે પાણીપૂરી
ખાધા બાદ ગામના અનેક લોકોની તબિયત લથડી હતી. ઝાડા-ઊલટી શરૂ થતાં ભુજની વિવિધ હોસ્પિટલ્સમાં
સારવાર અર્થે ખસેડાયાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવ અંગે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ લોડાઇના ગગડા રફીકે મીડિયાને જણાવ્યું હતું
કે, બે દિવસ પહેલાં ગામમાં પાણીપૂરી ખાધી હતી. તેના
બીજા દિવસ બાદ તબિયત લથડી હતી. ઝાડા-ઊલટી થઇ હતી. આ પાણીપૂરી ખાધા બાદ મારી જેમ ગામના
40થી 50 લોકોની પણ તબિયત લથડતાં ગામના 10થી 15 જણ જી.કે. જનરલ હોસ્પિટલમાં તથા અન્યો ભુજની વિવિધ ખાનગી હોસ્પિટલમાં
સારવાર લઇ રહ્યા છે. 14મીના પાણીપૂરી
ખાધા બાદ ગઇકાલે લોડાઇના ગ્રામજનોની તબિયત લથડતાં ગામમાં ફફડાટ ફેલાયો હતો. આજે લોડાઇના
પી.એચ.સી. ખાતે 35થી 40 લોકોને સારવાર આપવામાં આવી
હતી. આ ઉપરાંત અમુક સારવાર અર્થે ભુજ દોડયા હતા. આ બનાવના પગલે આજે આરોગ્ય તંત્ર દોડતું
થયું હતું. ગામમાં ઘરોઘર સર્વે હાથ ધરી પાણીનું ક્લોરીનેશન કરાયું હતું.