ગાંધીધામ, તા. 21 : સંકુલનાં અંતરજાળમાં આવેલી
એક રહેણાક સોસાયટીમાં કોઈ કારણોસર ગેસ લીકેજ થતાં
આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં પિતા-પુત્રી ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલ
સાંપડયા હતા. બહાર આવેલી વિગતો અનુસાર મંગલવિલા રેસિડેન્સી મકાન નં. 17માં આજે પાંચ વાગ્યાના
અરસામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. ગેસ
લીકેજ થવાના કારણે મકાનમાં આગ લાગી હોવાનું
અનુમાન સેવાઈ રહ્યું હતું.આ આગના કારણે ઘરની ઘરવખરી,
સામાન્ય સહિતની વસ્તુઓને નુકસાન થયું હતું. મકાનમાં આગ લાગવાના સમાચાર
મળતાંની સાથે અગ્નિશમન દળની ટીમ ધસી ગઈ હતી.
ફાયર વિભાગે અંદાજિત એકાદ કલાકમાં આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં પિતા
કાંતિલાલ કરશનદાસ ઉમરાણિયા (ઉ.વ. 77) તથા પુત્રી નિકિતાબેન કાંતિલાલ
ઉમરાણિયા (ઉ.વ. 38) ગંભીર પ્રકારે દાઝ્યા હતા. તેમને સ્થાનિકે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. હાલમાં
બંને પિતા-પુત્રીની હાલત નાજુક હોવાનું પોલીસે ઉમેર્યું હતું. બનાવ પાછળનું કારણ શોધવા માટે પોલીસે એફ.એસ.એલ.નો
અભિપ્રાય લેવા સહિતની દિશામાં વધુ તપાસ હાથ
ધરી છે.