ગાંધીધામ, તા. 28 : દેશને વિદેશી હુંડિયામણ રળી
આપતા એશિયાના પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર કંડલા સેઝમાં દાણચોરીના અનેક બનાવો બહાર આવ્યા છે. તાજેતરમાં પોલીસે વાગડમાંથી ઝડપેલી કરોડોની કિંમતની સોપારીકાંડના કેન્દ્રમાં કાસેઝ
છે, ત્યારે
આ મામલે ઢાંકપીછોડો કરવા અનેક ગોલમાલ કરવામાં
આવી છે. ઝડપાયેલી સોપારી ઉપરાંત અન્ય કરોડોની કિંમતની સોપારી બારોબાર
વેચવા માટે નીકળી ગઈ હોવાના પણ અહેવાલો સાંપડી
રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ જાન્યુઆરીના
પ્રથમ સપ્તાહમાં બોર્ડર રેન્જ સાયબર સેલની
ટુકડીએ આધોઈમાં ઠલવાતી 1.25 કરોડની સોપારીનો જથ્થો ઝડપી પાડયો હતો.
આ સોપારીનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે સહિતની દિશામાં પોલીસે કાસેઝની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે અને સીસી
કેમેરા સહિતની વિગતો મગાવી છે, પરંતુ
હજુ સુધી આ વિગતો પોલીસ સુધી પહોંચી નથી. દરમ્યાન
પોલીસે ઝડપેલી ટ્રક કંડલા સેઝના ગેટમાંથી અવરજવર કરતી હોવાનું સીસી કેમેરામાં કાર્યવાહી
બાદ જણાયું હતું અને તેમાં સ્થાનિક કસ્ટમના કર્મચારીઓએ જ ટ્રકને બહાર કાઢવામાં મદદગારી કરી હોવાનો આક્ષેપ અંતરંગ વર્તુળો કરી રહ્યા છે. આ ઘટના
બાદ સીસી કેમેરાના પુરાવા નાશ કરવા માટેની
પણ હરકત કરાઈ હતી. દરમ્યાન ટ્રક કંડલા સેઝમાંથી
નીકળી ન હોવાનું પ્રસ્થાપિત કરવા માટેના કારસા રચાયા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું
હતું. જાણકારોના જણાવ્યા પ્રમાણે પોલીસે જે ટ્રેઈલર પકડયું છે, તે ચેક
કરતાં વાહન એમ્બ્યુલન્સ જણાય છે અને કપડાંની કંપનીમાં ટ્રક ગઈ હોવાનું દર્શાવાયું છે. આમ કાસેઝમાંથી સોપારી નીકળી નથી તે માટે ગોલમાલ કરવામાં આવી હોવાનું સમજાય છે. પાન-મસાલા
બનાવવાના એકમમાં સોપારી આયાત કરી પાન-મસાલા બનાવવાના બદલે કચરો એક્સપોર્ટ કરાતો હોવાનો આક્ષેપ સૂત્રો
કરી રહ્યા છે અને આયાત કરેલી સોપારી ઝોનમાંથી કાઢીને સ્થાનિક બજારમાં વેચી નાખવામાં આવે છે. આ કારસો લાંબા સમયથી ચાલી
રહ્યો છે. આ ગાડી પકડાઈ તે પૂર્વે 22 જેટલા કન્ટેનર પગ કરી ગયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. જવાબદાર તંત્ર દ્વારા
તપાસ કરવામાં આવે, તો સરકારી
તિજોરીને લાગતો કરોડો રૂપિયાની ડયૂટી ચોરી બચાવી શકાય. આ આ મુદ્દે તલસ્પર્શી તપાસ કરવામાં
આવે, તે જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.