ભુજ, તા. 28 : માધાપર પોલીસ મથકે સગીરાનો
અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના પોકસોના કેસમાં સ્પે. પોકસો કોર્ટે આરોપીને આજીવન કેદની
સજા આપી હતી. આરોપીએ તે હુકમ સામે અપીલ કરતા ગુજરાત હાઈકોર્ટે આરોપીની સજાને સ્થગિત
કરી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસની ટુંક વિગતો મુજબ ફરિયાદીની સગીર દીકરી
હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને આરોપી મજીદ મીઠાખાન હિંગોરજાના છકડામાં સ્કૂલે જતી
હતી. વર્ષ 2024માં સગીરાનું આરોપી મજીદ અપહરણ
કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીની અટક અને ત્યારબાદ સ્પે. પોક્સો
અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આરોપીએ આ હુકમ સામે
અપીલ કરતાં ગુજરાત હાઈકોર્ટે બન્ને પક્ષકારોની દલીલો સાંભળી સજાનો હુકમ સ્થગિત કરી
જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટમાં આરોપીના વકીલ તરીકે એ.એ. ઝબુઆવાલા
અને સ્થાનિકે એચ.એ. ખોજા, એસ.જી. માંજોઠી,
કે.આઈ. સમા, વીકે. સાંધ, આઈ.એ. કુંભાર, ડી.સી. ઠક્કર હાજર રહ્યા હતા.