• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

બાદરગઢમાં ટાવરમાંથી 2.25 લાખના સામાનની ચોરી

ગાંધીધામ/ભુજ, તા. 28 :  રાપરના બાદરગઢમાં લગાવેલા ટાવરમાંથી તસ્કરોએ રૂા. 2,25,000નાં લોગર મશીન, વાયર, સોલાર પેનલની ચોરી કરી હતી. 10 દિવસ અગાઉ બનેલ ચોરીનો બનાવ ગઇકાલે પોલીસ ચોપડે ચડતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા, જ્યારે માંડવી તાલુકાના કોજાચોરાની સીમમાં ખાનગી કંપનીની પવનચક્કી પરથી 905 મીટર વાયર કિં.રૂા. 30 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. બાદરગઢની સીમમાં 02 પાવર પ્રા. લિમિટેડ કંપની દ્વારા વિન્ડ માસ્ટનું ટાવર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ડેટા લોગર બોક્સ બેસાડાયું છે. જેના થકી પવનચક્કીના ડેટાનો સંગ્રહ થતો હોય છે. આ ટાવર પરનું બોક્સ તા. 17-1નાં સવારના બંધ થઇ ગયું હતું. કર્મીઓએ ત્યાં જઇ તપાસ કરતાં બોક્સમાંથી લોગર મશીન, મશીનમાં લાગેલ સીમકાર્ડ, વાયર તથા પેનલ એમ કુલ રૂા. 2,25,000ના સામાનની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. ચોરીના આ બનાવ અંગે ગૌરવ અનિલ રાઠોડે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ કોડાય પોલીસ મથકે ખાનગી સિક્યુરિટી કંપનીના મેનેજર કાનાભાઇ રબારીએ આજે નોંધાવેલી ફરિયાદ મુજબ કોજાચોરાની સીમમાં આઇનોક્સ કંપનીની પવનચક્કીના ફાઉન્ડેશનથી મેઇન હબ સુધીના કેબલ વાયર 905 મીટર જેની કિં. રૂા. 30 હજારની કોઇ અજાણ્યા ચોર ઇસમ તા. 30-12ના રાતથી બીજા દિવસની સવાર સુધીમાં ચોરી કરરી ગયાની ફરિયાદ નોંધાવી છે. 

Panchang

dd