ભુજ, તા. 24 : હાલનો
હાથવગો મોબાઇલ દરેકની ઘરેડ બની ચૂક્યો છે. મોબાઇલ થકી સંદેશા વ્યવહારમાં ક્રાંતિ આવી
છે અને તેમાં ઇન્ટરનેટ થકી ઘણા કામો આંગળીના ટેરવે શક્ય બન્યા છે, પરંતુ ડિજિટલ ઠગબાજો યેનકેન પ્રકારે લોકોને લાલચ આપી, વિશ્વાસ સંપાદિત કરી ઓનલાઇન છેતરપિંડી કરતા હોવાના બનાવોય વધ્યા છે. ભુજના
યુવાનને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરાવી પ્રથમ થોડા સમય નફો-વળતર
આપી વિશ્વાસ સંપાદિત કર્યા બાદ 16 લાખની
ઓનલાઇન છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મૂળ અબડાસા તાલુકાના મંજલ રેલડિયાના
હાલે ભુજ રહેતા અને ખાનગી નોકરી કરતા અજિતસિંહ ખેંગારજી જાડેજાએ ભુજ બોર્ડર રેન્જના
સાયબર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 21/4ના
તેના મોબાઇલ ઉપર એક વોટ્સ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો, જેમાં એડમિન તરીકે આદિત્ય શર્મા અને સાઇ મરાઠાવાળા હતા. તેઓએ પોતે `દક્ષી એલાઇટ ઇન્વેસ્ટમેન્ટ સર્ક' નામના ફર્મ તરફથી હોવાની ઓળખ આપી હતી. આ ફર્મ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ
તથા આઇપીઓને લગતા કામમાં માર્ગદર્શન આપવાનું કામ કરે છે. ફરિયાદી ગ્રુપમાં આવતાં મેસેજો
ચકાસતા હતા અને તા. 4/7ના
રોકાણ કરવાનું હોતાં વાત કરતાં એક ફિઇર્સ મેકસ નામની એપની લિંક મોકલી હતી અને તે ડાઉનલોડ
કરી રજિસ્ટ્રેશન માટેની જરૂરી માહિતી ભરી હતી અને પ્રથમ રૂા. પાંચ હજારનું રોકાણ કરતાં
ફાયદો થયો હતો. જે વિડ્રોલ કરાવતાં ખાતામાં જમા પણ થયા હતા. આમ વિશ્વાસ આવતાં ફરિયાદીએ
બાદમાં બે માસ દરમ્યાન જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરીને કુલ મળીને રૂા. 16,05,490નું રોકાણ કર્યું હતું. આ બાદ આઇપીઓ ભરવાની સલાહ આપતાં
ફરિયાદી સહમત થયા હતા, પરંતુ એપની વોલેસ પૂરતી બેલેન્સ ન
હોવાથી ના પાડી હતી. આથી તેઓએ એપમાંથી લોન લેવાનો વિકલ્પ આપતાં લોન લેતાં 18 લાખની રકમ લોન પેટે વોલેટમાં જતા થઇ હતી અને આઇપીઓ
ભરતાં તે લાગ્યો હતા. જેમાં ખાસ્સો એવો નફો જમા થયો હતો. ફરિયાદીને રૂપિયાની જરૂરત
હોતાં વિડ્રોલ કરવા જતાં વિડ્રોલ થયા ન હતા. બાદ વિવિધ બહાના બતાવ્યા હતા. આમ ફરિયાદી
સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે.