નલિયા, તા. 24 : અબડાસા તાલુકાનાં રાયધણજર ગામની સીમમાં ગેરકાયદેસર
રીતે બેન્ટોનાઇટનું ખનન કરી રહેલા તત્ત્વો પર જિલ્લા ટાસ્ક ફોર્સ અને એલસીબીએ સંયુક્ત
રીતે ત્રાટકીને લાખોની કિંમતનું એસ્કેવેટર મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે. આ પ્રકરણની વિગતો મુજબ, સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને
પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ખનિજ ચોરીનાં નેટવર્કને તોડી
પાડવા કડક સૂચનાઓ અપાઈ હતી, જેના અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પીઆઈ
એચ.આર. જેઠી અને પીએસઆઈ જે.બી. જાદવનાં માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો અબડાસા
વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હે. કો. શક્તાસિંહ ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના
આધારે રાયધણજર ગામની પૂર્વ દિશામાં ચાલતી એક માન્ય લીઝની આડમાં ખનિજ ચોરીનું કૌભાંડ
પ્રકાશમાં આવ્યું હતું. પોલીસ અને ટાસ્ક ફોર્સની ટીમે સ્થળ પર તપાસ કરતાં સરકારી જમીનમાં
અંદાજે 100થી 150 મીટર દૂર મસમોટું ગેરકાયદે ખોદકામ જોવા મળ્યું હતું.
સ્થળ પરથી મળી આવેલાં એસ્કેવેટર મશીનના ચેન પટ્ટાનાં નિશાન અને ખનિજના જથ્થાના આધારે
ગુનો સ્પષ્ટ થતાં, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડને બોલાવી
હોન્ડા કંપનીનું 215 મોડેલનું
એસ્કેવેટર સીઝ કરવામાં આવ્યું છે. આ સફળ કામગીરીમાં એએસઆઈ વિકેશભાઇ રાઠવા, શક્તાસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી, વિરમભાઇ ગઢવી અને ભરતભાઇ ગઢવી જોડાયા હતા.
અબડાસાની બદલાતી તસવીર : ખનિજ ચોરો ફરી સક્રિય
અત્રે
ઉલ્લેખનીય છે કે, અબડાસા તાલુકામાં હાલ ખનિજ ચોરીની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
રાત્રિના અંધારામાં પણ સીમાડાઓમાં મશીનોના અવાજ અને લાઈટોથી દિવસ જેવો માહોલ સર્જાય
છે, જે ખનિજ માફિયાઓની હિંમતનો પુરાવો આપે છે. ભૂતકાળમાં ખનિજ
ચોરોને હંફાવનારા પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડની રાતોરાત બદલી પણ થયેલી, ત્યારે ફરી અબડાસામાં ખનિજ માફિયાઓ ફરી બેફામ બન્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું
છે. જનતામાં એવી માંગ ઊઠી રહી છે કે, આ વિસ્તારમાં ખનિજ સંપત્તિની
લૂંટફાટ અટકાવવા માટે તંત્ર દ્વારા ફરી એકવાર
કડક અને બાહોશ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે જેથી ખનિજ ચોરી ઉપર અંકુશ આવે.