અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ
સહિત સમગ્ર ગુજરાત રાજ્યના અંદાજે પાંચ લાખથી પણ વધારે રિક્ષાચાલકો માટે રાજ્ય સરકાર
દ્વારા એક રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી રિક્ષાચાલકોમાં ખુશીની લહેર છે. સરકારે મિનિમમ અને કિલોમીટર દીઠ ભાડામાં
5-5 રૂપિયાનો વધારો કરવાનો સત્તાવાર
નિર્ણય લીધો છે. જેને લઈને ટ્રાન્સપોર્ટ કમિશનર
દ્વારા નવા ભાડાનો સત્તાવાર પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર
હવે મુસાફરોએ પહેલા કરતા વધુ ભાડું ચૂકવવું પડશે,
જેનાથી ચાલકોની દૈનિક આવકમાં થોડો સુધારો થવાની પૂરી સંભાવના છે. સરકારના
નવા આદેશ મુજબ, અમદાવાદમાં રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને હવે 25 રૂપિયા કરી દેવામાં આવ્યું
છે. આ સુધારા મુજબ હવે રિક્ષામાં બેસતાની સાથે જ મુસાફરોએ પ્રથમ 1.2 કિલોમીટરના અંતર માટે 25 રૂપિયા ચૂકવવા પડશે. પ્રથમ
1.2 કિલોમીટરની મર્યાદા પૂરી થયા
બાદના પ્રત્યેક કિલોમીટર દીઠ 20 રૂપિયા લેખે
ભાડું ચૂકવવું પડશે. અમદાવાદ ખાતે રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આ જાહેરાત બાદ ફટાકડા
ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. આ સ્પષ્ટ અને સુધારેલા દરો લાગુ થવાથી ડ્રાઇવરો અને મુસાફરો
વચ્ચે ભાડાને લઈને થતી અસમંજસતા અથવા તકરાર પણ દૂર થશે અને પારદર્શકતા જળવાઈ રહેશે.