ભોપાલ, તા 8 : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલા દેશના વિસ્તારની દ્રષ્ટિએ
સૌથી મોટા એવા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને આબેહૂબ રીતે પ્રદર્શિત
કરવામા આવી છે. કચ્છ ઉપરાંત દેશના અલગ અલગ પ્રાંતની સંસ્કૃતિનું આ મ્યુઝિયમમાં દર્શન
થતું હોવાથી તેનું સાંસ્કૃતિક મહત્વ અનેક ગણું વધી ગયું છે. વહીવટી અધિકારી ડો. શંકર
રાવ અને જન સંપર્ક અધિકારી હેમંત પરિહારે પી. આઈ. બી. આયોજીત પ્રેસ ટૂરમાં જોડાયેલા
ગુજરાતના પત્રકાર ગ્રુપને વિગત આપતાં કહ્યું કે,
200 એકરમાં ફેલાયેલા આ દેશના સૌથી
વિશાળ સંગ્રહાલયમાં કચ્છની જીવનશૈલી, કલા અને સ્થાપત્યને જીવંત રીતે દર્શાવવામાં આવી છે.
ઓપન-એર એક્ઝિબિશનમાં ઉભું કરાયું ડેઝર્ટ વિલેજ
સંગ્રહાલયના ખુલ્લા પ્રદર્શન વિસ્તારમાં ખાસ `ડેઝર્ટ વિલેજ' એટલે કે, રણનું ગામ તૈયાર
કરવામાં આવ્યું છે. જેમાં કચ્છની સાથે રાજસ્થાનની
રણ પ્રદેશની સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે.
કચ્છની ઓળખ ભૂંગાનું નિર્માણ
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ ગોળાકાર માટીના ઘરો કે, જેને (ભુંગા કહેવાય છે તે અહીં આબેહૂબ બનાવવામાં
આવ્યા છે. આ ભૂંગા ભૂકંપ પ્રતિરોધક હોવાની સાથે ઉનાળામાં ઠંડક તેમજ શિયાળામાં હૂંફ
આપે છે જે તેની વિશિષ્ટ ઓળખ છે. રબારી સમુદાયની જીવનશૈલીને સ્થાન કચ્છના માલધારી રબારી
સમુદાયના ઘરો અને તેમની પરંપરાગત વસવાટ શૈલીને આ સંગ્રહાલયમાં ખાસ સ્થાન અપાયું છે.